થાણે: થાણે જિલ્લામાં કાપડના વેપારી સાથે 35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે મુંબઈના ચાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.ભિવંડીના ગાયત્રીનગરમાં રહેનારા 42 વર્ષના ફરિયાદી વેપારી પાસેથી જૂનથી નવેમ્બર, 2025 દરમિયાન આરોપીઓએ ગ્રે (અનપ્રોસેસ્ડ) કાપડનો જથ્થો ખરીદ્યો હતો.
જોકે રૂપિયા ચૂકવવાને બદલે આરોપીઓએ કાપડ અન્ય વેપારીઓને વેચી દીધું હતું. આરોપીઓ બાદમાં ફરિયાદી વેપારીને ટાળવા લાગ્યા હતા.ભિવંડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ વારંવાર રૂપિયાની માગણી કરતાં આરોપીઓએ તેના કૉલ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું અને બાદમાં પોતાની ઓફિસ બંધ કરી તેઓ ફરાર થઇ ગયા હતા.
દરમિયાન ફરિયાદીએ આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને તેની ફરિયાદને આધારે ચાર આરોપી વિરુદ્ધ રવિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)