અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે કોઈને કોઈ શહેરમાંથી ડ્રગ્સ પકડાતું રહે છે. તાજેતરમાં બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ ‘જંગ’ છે. યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી છે. ગુજરાતમાં એક દાયકામાં પકડાયેલા ડ્રગ્સના કારણે રાજ્ય જાણે કે ઉડતા ગુજરાત બની ગયું હોય તેમ લાગે છે. રાજ્યમાં ડ્રગ્સના જથ્થામાં એક દાયકામાં 1600 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે.
પોલીસના સત્તાવાર ડેટા અનુસાર, રાજ્યમાં છેલ્લા એક દાયકમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થામાં 16 ગણો વધારો થયો છે. વર્ષ 2015માં સમગ્ર રાજ્યમાં 1.32 કરોડની કિંમતના 2,164.743 કિલો માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે. 26 ડિસેમ્બર, 2025 સુધીમાં ગુજરાત પોલીસે 20,823.047 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે, તેની અંદાજિત બજાર કિંમત રૂ. 2240.246 કરોડ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક ઊંડે સુધી ફેલાયેલું છે અને સિન્થેટિક ડ્રગ્સનો ખતરો સતત વધી રહ્યો હોવાનું આ આંકડા દર્શાવે છે.
કડક અમલીકરણને કારણે જથ્થો પકડાયો
સૂત્રોએ દાવો છે કે આ ઉછાળો કડક અમલીકરણ અને આક્રમક કાર્યવાહીને કારણે આવ્યો છે. સૂત્રો મુજબ ડ્રગ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સને પકડવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. જેમ જેમ દેખરેખ કડક બની રહી છે, તેમ વધુ જથ્થો પકડાઈ રહ્યો છે. ઉપરાંત ડ્રગ પેડલર્સ પણ મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત પોલીસે કુલ 1,74,109.112 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, જેની કુલ કિંમત રૂ. 13,939.636 કરોડ થાય છે.
ડ્રગ સપ્લાય ચેઈનને તોડવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સમર્થિત સમર્પિત 'એન્ટી-નાર્કોટિક સેલ' કાર્યરત છે. સૂત્રોએ ઉમેર્યું કે આ બંને યુનિટને નેટવર્ક ઓળખવા, વધુમાં વધુ ગુનેગારોની ધરપકડ કરવા અને દરેક સ્તરે સપ્લાય ચેઈન તોડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
2024ની સરખામણીએ 2025માં બમણા કેસ
2024માં પોલીસે 588 કેસ નોંધીને રૂ. 1,479.23 કરોડનું 19,819.099 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. જ્યારે 2025માં 26 ડિસેમ્બર સુધી 980 કેસ નોંધાયા છે અને રૂ. 2,240.246 કરોડની કિંમતનું 20,823.047 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. માત્ર એક જ વર્ષમાં કેસોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે અને જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમતમાં 51 ટકાનો વધારો થયો છે.
સિન્થેટિક ડ્રગ્સ
પોલીસના જણાવ્યા અનુસાર, સિન્થેટિક ડ્રગ્સનો વિસ્ફોટક વધારો સૌથી વધુ ચિંતાજનક છે. આ ડ્ર્ગ્સ યુવાનોમાં વધુ લોકપ્રિય છે. 2020માં સિન્થેટિક ડ્રગ્સના 32 કેસ નોંધાયા હતા અને 6.83 કરોડની કિંમતનું 1,087.807 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. 2025માં આ આંકડો વધીને 229 કેસ અને 2147.94 કરોડની કિંમતનું 3472.633 કિલો જથ્થો થયો હતો.
હેરોઈન અને બ્રાઉન સુગર કેસ ઓછા
રાજ્યમાં હેરોઈન અને બ્રાઉન સુગરના કેસોની સંખ્યા ઓછી છે, પરંતુ તેની આર્થિક કિંમત ઘણી વધારે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે 62 કેસ નોંધી 174 આરોપીઓની ધરપકડ કરી છે અને અંદાજે રૂ. 5,254.98 કરોડની કિંમતનું 1041.402 કિલો હેરોઈન અને બ્રાઉન સુગર જપ્ત કર્યું છે.