Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકાવવા સરકાર સક્રિય, : પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલી...

14 hours ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદ: ગુજરાતના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારના અનેક કિસ્સા બહાર આવતા સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવાને બદલે  અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે. ગુજરાત તકેદારી આયોગની સૂચનાને આધારે સરકાર દ્વારા રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં "પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન" પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. 

પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન કરવું ફરજિયાત 
 
ગુજરાત તકેદારી આયોગની માર્ગદર્શિકા મુજબ દરેક વિભાગે દર છ મહિને પોતાની કચેરીઓનું પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન કરવું ફરજિયાત રહેશે અને તેનો વિગતવાર અહેવાલ સરકારને મોકલવાનો રહેશે. પ્રથમ અહેવાલ જાન્યુઆરીથી 30 જૂન સુધીના સમયગાળાનો રહેશે, જેને 20 જુલાઈ સુધીમાં સરકારને સુપરત કરવો પડશે. તકેદારી નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને અરજદારો સાથે સંબંધિત પ્રક્રિયાઓ પર ભાર મૂકવામાં આવશે. જો કોઈ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હોય તો તેના સ્પષ્ટ કારણો અરજદારને લેખિતમાં જણાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરાશે. અપીલ રજિસ્ટરમાં અરજીઓનો સમયસર નિકાલ થયો છે કે નહીં, તેમજ અરજદાર પાસેથી બિનજરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા નથી તે પણ ચકાસવામાં આવશે.

આ સાથે જ દસ્તાવેજોની પૂર્તતામાં અનાવશ્યક વિલંબ કરવામાં આવ્યો નથી તેની પણ તપાસ થશે. પ્રજા સાથે સીધો અને વધુ સંપર્ક ધરાવતી કચેરીઓમાં નાગરિકોની અરજીઓ માટે અલગ રજિસ્ટર રાખવામાં આવે છે કે નહીં, તેમજ તે અરજીઓનું ક્રમ મુજબ અને સમયસર નિરાકરણ થાય છે કે નહીં તેની વિગતો પણ તપાસવામાં આવશે.

નિરીક્ષણ ચેકલિસ્ટ મુજબ કરવું ફરજિયાત

તકેદારી ઇન્સ્પેક્શન દરમિયાન વિભાગ કે ખાતાના વડા દ્વારા રેન્ડમ રીતે ફાઈલોની ચકાસણી કરવામાં આવશે. સંવેદનશીલ જગ્યાએ કાર્યરત કર્મચારીઓની સમયાંતરે બદલી કરવામાં આવે છે કે નહીં, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન થાય છે કે નહીં, તેમજ કર્મચારીઓને સમયસર તાલીમ આપવામાં આવે છે કે નહીં તેની પણ સમીક્ષા કરાશે. જો કચેરી દ્વારા કોઈ ઇજનેરી બાંધકામ, પ્રોજેક્ટ કે ખરીદી સંબંધિત કામગીરી કરવામાં આવી હોય તો તેનું નિરીક્ષણ ચેકલિસ્ટ મુજબ કરવું ફરજિયાત રહેશે.