અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યની જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)ને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડ નો ઉપયોગ ગરીબોના ઘર બનાવવા માટે કરવાનો અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે પાકું ઘર બનાવી રહી છે, છતાં ઘણાને આનો લાભ મળી શકતો નથી. આનું મુખ્ય કારણ એ છે કે ઘણા ગરીબ પરિવારો સરકારી મદદ મળ્યા બાદ પણ પોતાના ભાગના નાણા એકત્ર કરી શકતા નથી, આથી તેમને ઘર બાંધવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આના ઉકેલ તરીકે ગુજરાત સરકારે જાહેર ક્ષેત્ર અને ગુજરાતની મોટી કંપનીઓને આ અધૂરાં બાંધકામ પૂરાં કરવા માટે સીધી મદદ કરવા જણાવ્યું હતું. હાલમાં 1.7 લાખ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહ્યા છે. તેમાંથી 7,000 લાભાર્થી એવા છે, જે પોતાના ભાગના નાણા ખર્ચી શકે તેમ નથી આથી તેમને સરકારના નાણા મળ્યા હોવા છતાં તેઓ ઘર બાંધી શકતા નથી.
ગયા અઠવાડિયે ચીફ સેક્રેટરી મનોજ દાસે મોટી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક બેઠકમાં આ અંગે ચર્ચા કરી હોવાનુ્ં સૂત્રોએ જણાવ્યું હતું. લગભગ તમામ કંપનીએ લાભાર્થીઓને રૂ. એક લાખ સીધા આપવાની અને સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ્સ પૂરું પાડવાની બાંહેધરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.