હોજાઈ: આસામના હોજાઈ જિલ્લામાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી આઠ હાથીઓના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. આ અંગે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પાંચ ડબ્બા અને ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે. જોકે, કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે
આ અંગે રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી દિલ્હી જતી ટ્રેન સવારે 2:17 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. નાગાંવ વિભાગીય વન અધિકારી સુહાશ કદમે જણાવ્યું હતું કે આ ઘટના હોજાઈ જિલ્લાના ચાંગજુરાઈ વિસ્તારમાં બની હતી. વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.આ અકસ્માતના લીધે રેલવે વ્યવહારના આંશિક અસર થઈ છે.
રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ
તેમજ આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જમુનામુખ-કામપુર સેક્શનમાંથી પસાર થતી ટ્રેનોને અપ લાઇન પર વાળવામાં આવી રહી છે અને રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મિઝોરમમાં સૈરંગને આનંદ વિહાર ટર્મિનલ સાથે જોડે છે.
ટ્રેનને ગુવાહાટી માટે રવાના કરવામાં આવી
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી ગયેલા કોચના મુસાફરોને અન્ય કોચમાં ખાલી બર્થમાં કામચલાઉ રીતે બેસાડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત કોચને અલગ કર્યા બાદ પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનને ગુવાહાટી માટે રવાના કરવામાં આવી છે. ગુવાહાટી પહોંચ્યા બાદ અસરગ્રસ્ત કોચના મુસાફરોને બેસાડવા માટે વધારાના કોચ ઉમેરવામાં આવશે અને ટ્રેન આગળ સ્ટેશને રવાના થશે.