અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ આગામી દિવસોમાં પવનોની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વીય થતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી થોડા દિવસોમાં આ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. પવનની બદલાતી દિશાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
રાજ્યમાં સૌથી ઓછું લધુત્તમ તાપમાન 10.3 ડિગ્રી નલિયામાં નોંધાયું
ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી, ડીસામાં 13.1 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી, કેશોદમાં 13.8 ડિગ્રી, ભુજમાં 13.8 ડિગ્રી, મહુવામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, દમણમાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 15.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.5 ડિગ્રી, ભાવનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વનોની દિશા બદલાતા ફરીથી ઠંડીમાં વધારો
સામાન્ય રીતે ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. હાલમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી હતી, પરંતુ પવનોની દિશા બદલાતા ફરીથી ઠંડીમાં વધારો થયો છે. પવનોની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વીય થતા જ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો તેજ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં લધુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો છે.