સાલાસર : રાજસ્થાનના ચુરુ જીલ્લાના સાલાસર વિસ્તારમાંથી પોલીસે નકલી ઘી બનાવવાની ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે ફેક્ટરીમાંથી 7500 લીટર નકલી ઘી અને ભારે માત્રામાં કેમિકલ અને પેકિંગ સામગ્રી જપ્ત કરી છે. રાજસ્થાન પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે પાડેલી રેડમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ લોકો નકલી ઘીને બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ હોટલની આડમાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું. જયારે જપ્ત કરાયેલા પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હોટલની આડમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું
આ અંગે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સના અધિકારી અભિજીત પાટીલે જણાવ્યું હતું કે ટીમને માહિતી મળી હતી કે સાલાસરના શોભાસર વિસ્તારમાં એક હોટલની આડમાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે, ટીમે નેશનલ હાઇવે 58 પર શોભાસર કલ્વર્ટ પાસે સ્થિત એક પ્લોટ પર દરોડો પાડ્યો હતો. જ્યાં ગેરકાયદે ફેક્ટરી કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું.
200 લિટર ક્ષમતાના 18 ડ્રમ જપ્ત
જેમાંથી ઘી ઉત્પાદન માટે વપરાતા 200 લિટર ક્ષમતાના 18 ડ્રમ, ઘી પેકેજિંગ માટે 414 ટીન (બેરલ) અને અન્ય રસાયણોથી ભરેલા 17-18 વધારાના ડ્રમ ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ સમગ્ર પ્રવૃત્તિ કોઈપણ કાનૂની લાઇસન્સ અથવા ખાદ્ય સુરક્ષા ધોરણો વિના હાથ ધરવામાં આવી રહી હતી.