Tue Jan 06 2026

Logo

White Logo

પાકિસ્તાનમાં ગુંજશે સંસ્કૃતના શ્લોકો! આઝાદી બાદ પહેલી : વખત લાહોર યુનિવર્સિટીમાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ

3 weeks ago
Author: Tejas
Video

ભારત અને પાકિસ્તાનના ભાગલાના સાત દાયકા બાદ પડોશી દેશમાંથી એક આશ્ચર્યજનક અને આવકારદાયક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ તેના અભ્યાસક્રમમાં પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનો સમાવેશ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. દાયકાઓ સુધી જે ભાષાની પાકિસ્તાની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપેક્ષા કરવામાં આવતી હતી, તે હવે ત્યાંના વર્ગખંડોમાં સત્તાવાર રીતે ભણાવવામાં આવશે.

લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) એ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી ડગલું ભરતા સંસ્કૃત ભાષાનો 'ચાર ક્રેડિટ'નો કોર્સ શરૂ કર્યો છે. અગાઉ આ યુનિવર્સિટીમાં માત્ર ત્રણ મહિનાની પ્રાયોગિક વર્કશોપ ચલાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સફળતાને આધારે હવે તેને કાયમી અભ્યાસક્રમ તરીકે માન્યતા આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ કોર્સમાં વિદ્યાર્થીઓને લોકપ્રિય 'મહાભારત' શ્રેણીના ગીતોના ઉર્દૂ અનુવાદ દ્વારા સંસ્કૃતની સમજ આપવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં સંસ્કૃત ભાષા સાથે જોડાયેલો ઘણો મોટો અને અમૂલ્ય દસ્તાવેજી સંગ્રહ ઉપલબ્ધ છે. ખાસ કરીને પંજાબ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં સંસ્કૃતના સમૃદ્ધ આર્કાઈવ્સ છે, પરંતુ યોગ્ય જાણકારીના અભાવે અત્યાર સુધી તેની અવગણના થતી રહી હતી. LUMS નો આ પ્રયાસ માત્ર ભાષા શીખવવા પૂરતો સીમિત નથી, પરંતુ તે પાકિસ્તાનમાં દટાયેલા શૈક્ષણિક વારસાને પુનર્જીવિત કરવાની દિશામાં પણ મહત્વનું પગલું છે.

આ કોર્સની શરૂઆત થતા જ પાકિસ્તાનના બૌદ્ધિક વર્ગ અને વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. ભાષાના જાણકારોનું માનવું છે કે સંસ્કૃત શીખવાથી આ પ્રદેશના જૂના સાહિત્ય અને ઈતિહાસને સમજવામાં ઘણી મદદ મળશે. શૈક્ષણિક વર્તુળોમાં આ નિર્ણયને સાંકડા રાજકીય દાયરામાંથી બહાર નીકળીને જ્ઞાન અને સંસ્કૃતિને મહત્વ આપવાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યો છે.