અમદાવાદ: વર્ષ 2025 તેના અંતિમ પડાવ પર છે, ગણતરીના કલાકોમાં વર્ષ 2026 શરૂ થશે. ત્યારે નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદ સહિત ગુજરાતમાં ભારો ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાઈટીંગ, ડેકોરેશન અને વિવિધ વેલપાર્ટીથી અમદાવાદ અને ગુજરાતના લોકો નવા વર્ષની શરૂઆત કરશે. રાજ્યના મુખ્ય શહેરોમાં આવેલી હોટલો, ક્લબ્સ અને પાર્ટી પ્લોટ્સ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. જોકે, આ આનંદમાં કોઈ ખલેલ ન પહોંચે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યભરના વહીવટીતંત્રએ કમર કસી લીધી છે.
નવા વર્ષની પાર્ટીઓમાં નશો કરીને ધમાલ કરનારા તત્વો સામે પોલીસે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. તમામ મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે 'શી ટીમ'ના સભ્યો સિવિલ ડ્રેસમાં પાર્ટીઓમાં હાજર રહેશે, જેથી છેડતી કરનારા અસામાજિક તત્વોને તુરંત ઝડપી શકાય. રાત્રે 8 વાગ્યાથી જ તમામ શહેરોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે.
તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષનું સ્વાગત કરી શકે. રિવરફ્રન્ટ હોય કે જાહેર ગાર્ડન, દરેક જગ્યાએ પોલીસની હાજરી વર્તાશે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી સેલિબ્રેશનનો આનંદ માણે.
અમદાવાદમાં ઉજવણીના મુખ્ય કેન્દ્રો એવા સિંધુભવન રોડ (SBR) અને સી.જી. રોડ પર માનવ મહેરામણ ઉમટી પડવાની શક્યતાને જોતા ટ્રાફિક પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ બંને માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકીને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. તેવી જ રીતે વડોદરામાં ફતેગંજ, અલકાપુરી અને ચકલી સર્કલ જેવા વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા આદેશ આપ્યા છે.
સુરતની વાત કરીએ તો, ડાયમંડ સિટીમાં 7000 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ સૂચના આપી છે કે ટેકનોલોજી અને ડ્રોનની મદદથી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. બીજી તરફ, રાજકોટમાં ફટાકડા ફોડવા અંગે કડક નિયમો લાગુ કરાયા છે. રાજકોટવાસીઓ રાત્રે માત્ર 35 મિનિટ (11:55 થી 12:30) સુધી જ ફટાકડા ફોડી શકશે અને જાહેર રસ્તાઓ પર આતશબાજી કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.