Mon Dec 08 2025

Logo

White Logo

એકસ્ટ્રા અફેર : ભારત-રશિયા ગાઢ દોસ્તીનો પાયો નહેરુએ નાખેલો

1 day ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા સમાપ્ત થઈ ગઈ. આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના આર્થિક સંબંધો ગાઢ બનાવવા માટે ઘણાં બધા કરાર થયા. પુતિન પોતાનું અડધું વહીવટીતંત્ર લઈને ભારત આવેલા તેના પરથી જ સ્પષ્ટ હતું કે, ભારત-રશિયા દોસ્તીનું નવું પ્રકરણ આલેખાશે ને એવું જ થયું છે. ભારત રશિયા પાસેથી થોકબંધ ક્રૂડ તો ખરીદે જ છે પણ હવે બીજાં ક્ષેત્રોમાં પણ સહકાર વધશે. 

આ સહકારની વિગતો મીડિયામાં આવી ગઈ છે તેથી રિપીટ નથી કરતા પણ પુતિનની યાત્રાથી અમેરિકાને મરચાં લાગી ગયાં છે એ સ્પષ્ટ છે. ડોનલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ભારતને રશિયા સાથેના આર્થિક સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા કહી રહ્યા છે પણ નરેન્દ્ર મોદી તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. અત્યારે પણ એવું જ થયું છે તેથી અમેરિકા ફૂંગરાયેલું છે. 

પુતિનની યાત્રાના પગલે ભક્તજનો મોદીનાં ઓવારણાં લઈ રહ્યા છે અને રશિયા સાથેના સંબંધો ગાઢ બનાવવા બદલ વખાણ કરી રહ્યા છે. મોદી અમેરિકાને બદલે રશિયા તરફ વધુ ઢળી રહ્યા છે એ સાચું પણ પહેલાં અમેરિકા તરફ ઢળવાનો નિર્ણય મોદીએ જ લીધેલો. બાકી ભારતના તો રશિયા સાથે એકદમ ગાઢ સંબંધો જ હતા. પરંપરાગત રીતે ભારત રશિયાનું જ મિત્ર હતું પણ મોદીને ડોનલ્ડ ટ્રમ્પને પોતાના દોસ્ત ગણાવવાના અભરખા છે તેથી 2016માં ટ્રમ્પ પહેલી વાર પ્રમુખ બન્યા પછી ભારત રશિયાને છોડીને અમેરિકા તરફ વધારે ઢળવા માંડેલું.

ટ્રમ્પે તો પહેલી ઈનિંગમાં જ ભારતને પરચો આપી દીધેલો કે, અમેરિકાને ભારત સાથે દોસ્તીમાં નહીં પણ આર્થિક ફાયદામાં રસ છે ને ટ્રમ્પ ભારત પોતાનું આંગળિયાત બનીને રહે એવી માનસિકતા ધરાવે છે. ટ્રમ્પે પહેલી ઈનિંગમાં જ ભારતને નુકસાનકારક ઘણા નિર્ણયો લીધેલા પણ મોદી પાસે વટનાં ગાજર ખાધા વિના છૂટકો નહોતો એટલે અમેરિકા સાથે સંબંધો ગાઢ હોવાનો ડોળ કરવો પડેલો.  

ભારતના સદનસીબે ટ્રમ્પ 2020ની પ્રમુખપદની ચૂંટણીમાં હારી ગયા ને જો બાઈડન પ્રમુખ બન્યા એટલે ભારતને સાવ ચૂસી લેવાની વૃત્તિમાંથી છુટકારો મળ્યો પણ અમેરિકા સાથેના સંબંધો ભારત માટે વિન-વિન સિચ્યુએશન જેવા એટલે કે બન્નેને માટે ફાયદાકારક બિલકુલ નહોતા. 
દરમિયાનમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતાં અમેરિકા અને તેના સાથી દેશોએ રશિયા પર આર્થિક નિયંત્રણો મૂકી દીધાં તેમાં રશિયાને ભારતની ગરજ પડી ગઈ. રશિયાને પોતાનું અર્થતંત્ર ચલાવવા માટે ક્રૂડ ઓઈલના ખરીદદારો જોઈતા હતા તેથી સસ્તા ભાવે ક્રૂડ આપવા વ્લાદિમિર પુતિન તૈયાર હતા ને મોદીએ આ તક ઝડપી લેતાં ભારત અને રશિયાની દોસ્તી પાછી ગાઢ થઈ ગઈ. 

મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની ઐસીતૈસી કરીને રશિયા સાથેના સંબંધો ગાઢ બનાવ્યા છે એ સ્વીકારવું જોઈએ પણ આ મામલે પણ મોદી જેમને સૌથી વધારે ગાળો આપે છે એવા જવાહરલાલ નહેરુના રસ્તે ચાલી રહ્યા છે. વિધિની વક્રતા એ છે કે, મોદી નહેરુની વિદેશ નીતિને કારણે ભારત કંગાળ રહી ગયું એવા આક્ષેપો કરે છે પણ હવે એ જ વિદેશ નીતિને અપનાવી રહ્યા છે. નહેરુએ યુએઈ, સાઉદી અરેબિયા સહિતના મધ્ય પૂર્વના દેશો સાથે સંબધો ગાઢ બનાવેલા અને રશિયાને તો ભારતનું સૌથી વિશ્વાસપાત્ર સાથી બનાવી દીધેલું. 

મોદી પણ એ જ કરી રહ્યા છે ને? મોદી અને ભાજપના નેતા નહેરુ-ગાંધી ખાનદાનની નીતિઓની ઝાટકણી કાઢ્યા કરે છે, દેશની સમસ્યાઓ માટે નહેરુ-ગાંધી ખાનદાન પર આળ મૂક્યા કરે છે પણ પોતે એ જ નીતિ અપનાવી રહ્યા છે. ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો ત્યારે અમેરિકા અને સોવિયેત યુનિયન એટલે કે રશિયા એ બેમાંથી કોની તરફ ઢળવું તેની અવઢવ હતી. નહેરુએ અમેરિકાની નારાજગી વહોરીને રશિયાને પસંદ કર્યું કેમ કે રશિયા મૂડીવાદી નહોતું. 

અમેરિકાની જેમ પોતાની કંપનીઓને ઘુસાડીને પોતાના સાથી દેશોને ચૂસી લેવાની માનસિકતા રશિયાની આજે પણ નથી. અમેરિકાની જેમ દૂધ અને દહીં બંનેમાં પગ રાખીને આર્થિક લાભ સિવાય બીજા કશા વિશે નહીં વિચારવાની રશિયાની માનસિકતા આજે પણ નથી. 

રશિયા ભારતને દોસ્ત માને છે અને સમયાંતરે આ દોસ્તીના ટેસ્ટ રશિયાએ પાસ કર્યા છે. 1951માં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને અમેરિકાના ખોળામાં બેસીને કાશ્મીર આખું પોતાને મળવું જોઈએ એવી દરખાસ્ત મૂકી ત્યારે અમેરિકા સહિતના દેશો પાકિસ્તાનના પડખે હતા. એ વખતે રશિયા આપણી સાથે ના હોત તો કાશ્મીર હાથથી જતું રહ્યું હોત.  

યુએસએસઆરએ ભારતના સમર્થનમાં કાશ્મીર વિવાદ પર વીટો પાવરનો ઉપયોગ કરીને કાશ્મીરને ભારતના હાથમાંથી જતું બચાવેલું. 1953માં રશિયાના સર્વેસર્વા જોસેફ સ્ટાલિને ભારતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ડંકે કી ચોટ પર કહેલું કે, ભારતને અમે અમારું દુશ્મન નથી માનતા. આ અમારી નીતિ છે અને હંમેશાં રહેશે. ભારતને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમે અમારી મદદના ભરોસે નિશ્ચિત થઈ જાઓ. 

જવાહરલાલ નહેરુ જૂન, 1955માં પહેલી વાર સોવિયેત સંઘ ગયા એના થોડા મહિના પછી કોમ્યુનિસ્ટ પાર્ટીના વડા નિકિતા ખ્રુશ્ચેવ ભારત આવેલા. ભારતમાં, ખ્રુશ્ચેવે જાહેરાત કરી કે સોવિયેત સંઘ કાશ્મીર અને ગોવા સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પર ભારતીય સાર્વભૌમત્વને સમર્થન આપે છે. ભારતને પોતાના આ વિસ્તારોના રક્ષણ માટે જે પણ મદદ જોઈએ એ બધી રશિયા આપશે.  

રશિયાએ 1971ના બાંગ્લાદેશ યુદ્ધ વખતે આ વચન પાળી બતાવેલું. પાકિસ્તાનને બચાવવા માટે અમેરિકાએ પોતાનાં યુદ્ધજહાજો હિંદ મહાસાગરમાં રવાના કરેલાં. રશિયાના સુપ્રીમો લિયોનેદ બ્રેઝનેવે ઈન્દિરા ગાંધીના એક કોલ પર ભારત સાથે સલામતીના કરાર કરીને પોતાનાં યુદ્ધજહાજોને મોકલી આપેલાં. રશિયા યુદ્ધમાં ઉતરે તો પોતાનો ખુરદો થઈ જાય એ ડરે ફફડેલા અમેરિકાએ પોતાનાં યુદ્ધજહાજોને પાછાં બોલાવી લીધેલાં. તેના કારણે ભારતના લશ્કર માટે પાકિસ્તાન પર હલ્લાબોલ કરવાનો રસ્તો ખૂલી ગયો ને બાંગ્લાદેશનું સર્જન થઈ ગયું. 

આ તો બે ઉદાહરણ આપ્યાં છે પણ રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હોય એવા બીજા ઘણા પ્રસંગો છે અને આ દોસ્તીનો પાયો જવાહરલાલ નહેરુએ નાંખ્યો હતો. ભારતમાં ભાજપ શાસનમાં આવ્યો પછી નહેરુને ગાળો દેવાની ફેશન થઈ ગઈ છે પણ રશિયા સાથેની ગાઢ દોસ્તી નહેરુ કેવા વિઝનરી હતા તેનો પુરાવો છે. નહેરુ 78 વર્ષ પહેલાં સમજી ગયેલા કે, અમેરિકા ભરોસાપાત્ર સાથી નથી ને રશિયા કદી દગો નહીં દે. આ વાત સાચી પડી ને આજે પણ સાચી પડી રહી છે. મોદીએ અમેરિકાભક્તિ મૂકીને રશિયા તરફ પાછા વળવું પડી રહ્યું છે.