Mon Jan 05 2026

Logo

White Logo

ગુજરાત ચૂંટણીમાં 74 લાખથી વધુની : વોટચોરીનો કોંગ્રેસનો ભાજપ પર ગંભીર આરોપ

3 weeks ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ગુજરાતની ચૂંટણીમાં 74 લાખથી વધુની વોટચોરી થઈ હોવાનો કોંગ્રેસએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર આરોપ લગાવ્યો છે. રાજ્યમાં SIRની કામગીરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં 18,03,050 જેટલા મતદાર મૃત્યુ પામેલા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત, ઓળખ થઈ નહીં હોય તેવા 10,10,243 મતદાર અને કાયમી સ્થળાંતર થઇ હોય તેવા 40,37,187 મતદાર એટલે કુલ 74,29,285 મતદારોનાં ફોર્મ જમા ન થયાં હોવાનું સામે આવતાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

ભાજપની દરેક જીતમાં 14 ટકા વોટચોરીનો દાવો

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં વોટની ચોરી થયેલ છે. ભાજપ અને ચૂંટણી પંચ નકારી રહ્યા હતા, પરંતુ એસઆઈઆરના આંકડા પ્રમાણે 5.08 કરોડ મતદારોમાંથી 14.61% - એટલે 74 લાખથી વધુ નામો - મૃત, ડુપ્લિકેટ અથવા સ્થળાંતરિત છે. ચૂંટણીપંચના આંકડાઓ પ્રમાણે 2002થી આજ સુધી ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં આશરે 14% વોટચોરીનો મોટો ફાળો છે. ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા કર્યા છે. ગુજરાતમાંથી 10 લાખથી વધુ લોકોએ ‘વોટ ચોર, ગાદી છોડ’ સહી ઝુંબેશમાં ભાગ લઈને લોકશાહી બચાવવાની માંગણીને સમર્થન આપ્યું છે.

ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને તટસ્થતા પર પણ સવાલ

કોંગ્રેસનો આક્ષેપ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા, તટસ્થતા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊઠતા આવ્યા હતાં. અનેક પુરાવાઓ સામે આવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે કોંગ્રેસે માગ કરી હતી કે ડુપ્લિકેટ મતદારોને શોધીને તેની યાદી જાહેર કરવામાં આવે. 14 ડિસેમ્બરના બપોરે 1 વાગ્યે દિલ્હીમાં ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે મહારેલી યોજવામાં આવશે તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

એસઆઇઆર મામલે અમિત ચાવડાએ કહ્યું કે, એસઆઈઆર પ્રક્રિયામાં તૈયારીના અભાવ, બીએલઓ પર રાજકીય દબાણ અને માનસિક ત્રાસના કારણે રાજ્યમાં 9 જેટલા બીએલઓના કરુણ મોત થયા હતાં. તેમ છતાં ચૂંટણી પંચ પોતાની ભૂલો ઢાંકવાની કોશિશમાં છે. બીજી બાજુ વિદેશમાં રહેતા, નાગરિકતા બદલી ચૂકેલા લોકોના મતદારો યાદીમાં યથાવત્ છે, જે ફોર્મ કોઇ બીજા લોકો ભરીને જમા કરાવતા હોવાના સ્પષ્ટ પુરાવા છે. ડુપ્લિકેટ વોટર્સની યાદી જાહેર કરવાની અમારી માંગ આજે પણ અધૂરી છે.