પુણે: ભારતીય ઉપખંડમાં પ્રતિબંધિત સંગઠન અલ કાઇદા સાથે કડી અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ માટે બે મહિના અગાઉ ધરપકડ કરાયેલા પુણેના સોફ્ટવેર એન્જિનિયર ઝુબેર હંગરકેકરને ફરી મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) કસ્ટડીમાં લીધો છે.
અનલોફૂલ એક્ટિવિટીસ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ના કેસ સંભાળતી વિશેષ કોર્ટે ઝુબેરને 3 જાન્યુઆરી સુધીની એટીએસ કસ્ટડી ફટકારી હતી. ઝુબેર અગાઉ અદાલતી કસ્ટડીમાં હતો અને એટીએસે બુધવારે ફરી એક વાર તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. યુએપીએ હેઠળ આતંકવાદ સંબંધી કેસમાં પોલીસ કસ્ટડીનો મહત્તમ સમયગાળો 30 દિવસનો હોય છે.
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે કડી બદલ 37 વર્ષના ઝુબેર હંગરકેકરની 27 ઑક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને તે 18 દિવસ સુધી એટીએસ કસ્ટડીમાં હતો. ગયા મહિના તેને એટીએસના કહેવાથી અદાલતી કસ્ટડી અપાઇ હતી. આથી એટીએસ કસ્ટડી બાકી હતી અને તેને એટીએસે બુધવારે ફરી કસ્ટડીમાં લીધો હતો.
એટીએસે અગાઉ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝુબેરના જૂના મોબાઇલમાં પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર છે. મોબાઇલના કોન્ટેક્ટ લિસ્ટનું વિશ્ર્લેષણ કરતાં પાંચ આંતરરાષ્ટ્રીય નંબરો મળી આવ્યા હતા, જેમાં એક પાકિસ્તાની, બે સાઉદી અરેબિયા અને એક-એક કુવૈત તથા ઓમાનના નંબરનો સમાવેશ હતો. જોકે આ નંબરો પર કોઇ કૉલ બતાવતા નથી.
એટીએસે કોર્ટને જણાવ્યું હતું કે ઝુબેરને આ વિશે પૂછવામાં આવતાં તેને આ નંબરો વિશે કશું યાદ નથી, એવો તે જવાબ આપી રહ્યો છે. આરોપી કોંઢવા વિસ્તારમાં આક્રમક રીતે ઉશ્કેરણીજનક ધાર્મિક પ્રવચનો કરતો હતો. (પીટીઆઇ)