અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાતી લેક્સિકોન દ્વારા 'વર્ડ ઑફ ધ યર'ની પસંદગી કરવામાં આવી હતી. 45 લાખથી વધુ શબ્દો ધરાવતાં શબ્દકોશના (અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી, હિન્દી-ગુજરાતી, મરાઠી-ગુજરાતી, સંસ્કૃત-ગુજરાતી) ઓનલાઇન પોર્ટલ ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ દ્વારા વર્ષ 2018થી દર વર્ષે ડિસેમ્બર માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન બનેલી ઘટનાઓ અને તેની લોકસમૂહ ઉપર પડેલી અસરો તથા મીડિયા દ્વારા જે શબ્દોના સૌથી વધુ પ્રચલિત થયા હોય અને જે શબ્દોએ લોકમાનસ પર પ્રબળ પ્રભાવ પાડ્યો હોય તે વિગતોને ધ્યાનમાં રાખીને એકત્રિત કરેલા શબ્દોમાંથી નિર્ણાયકો દ્વારા એક શબ્દ પસંદ કરી ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરવામાં આવે છે.
જાન્યુઆરી 2025માં અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ અવારનવાર ટેરિફ અંગે નવી નવી જાહેરાતો કરી વિશ્વભરના આર્થિક રાજકારણમાં ચડાવ-ઉતાર લાવી રહ્યા છે. આ સંદર્ભમાં આપણે રોજેરોજ ‘ટૅરિફ’ વિશે સાંભળીએ છીએ. ટૅરિફ શબ્દ એ માત્ર ભારત કે અમેરિકા જ નહીં પણ વિશ્વના ઘણા દેશોને રાજકીય અને આર્થિક રીતે અસર કરી ગયો છે. છેલ્લા ઘણા વખતથી ‘ટૅરિફ’ના સંદર્ભમાં અમેરિકન રાષ્ટ્રપતિએ ઘણાં ફેરફારો કર્યા છે જે વિશ્વના ઘણા દેશોની આયાત-નિકાસને અસર કરી ગયા છે.
બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરે ભારત સુરક્ષા ક્ષેત્રે પોતાની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. આતંકવાદને સચોટ જવાબ આપવા માટે શરુ કરાયેલ ઓપરેશન ‘સિંદુર’ આજે સર્વત્ર ભારતીય સૈન્યના સાહસનો વિશ્વને અહેસાસ કરાવે છે. આ ઉપરાંત 'સીઝફાયર' અને 'મોકડ્રીલ' શબ્દ પણ વારંવાર પ્રયોજાય છે. હાલમાં પાડોશી દેશ સાથે ‘સીઝફાયર’ ચાલુ છે, વિવિધ ‘મોકડ્રીલ’ દ્વારા દુશ્મન દેશના પ્રયત્નોને કેવી રીતે નિષ્ફળ કરવા માટે તેની આગોતરી તૈયારીઓ ભારતીય સેના કરી રહી છે.
વૈશ્વિક પરિબળો, યુદ્ધ, સ્વદેશી અભિયાન, ટૅક્નોલૉજીનો વ્યાપ જેવા વિવિધ પરિબળોને કારણે ‘ગ્લોબલ સાઉથ’ના દેશોને વેપારની નવી તકો સાંપડી છે, તેઓ વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે અને વૈશ્વિક ફલક ઉપર પોતાનું સ્થાન વધુ મજબૂત કરી રહ્યા છે. ભારત પણ ગ્લોબલ સાઉથનો એક ભાગ છે. ગ્લોબલ સાઉથ શબ્દ પણ આજે વારંવાર પ્રયોજાય છે.
આ બધી ઘટનાઓની વચ્ચે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ ઘણા બધા વિમાનોમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાયાની ફરિયાદો અને પાયલોટ દ્વારા ‘મે ડે’ જાહેર કરવાની ઘટનાઓ આ વર્ષે વારંવાર જોવા મળી હતી. .
આમ વિવિધ ઘટનાઓ વારંવાર પ્રયોજાયેલા શબ્દો અને તેની લોકસમૂહ પર પડેલા પ્રભાવને લક્ષમાં લઈને વર્ષ 2025 માટે ‘ટૅરિફ’ શબ્દને ‘વર્ડ ઑફ ધ યર 2025’ તરીકે ગુજરાતીલેક્સિકોન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.