સર્જકના સથવારે - રમેશ પુરોહિત
શયદા સાહેબના સમયમાં મુંબઈમાં ગુજરાતી ગઝલની જાહોજલાલી હતી. શયદા, હરીન્દ્ર દવે, શૂન્ય, બેફામ, સૈફ, બાદરાયણ, નૂર વગેરે મોટા ગજાનાં અગ્રગણ્ય શાયરો મુંબઈમાં હતા. સૂરત ગનીભાઈનો ગઢ, વડોદરામાં રશીદ મીર, અમદાવાદમાં જલન માતરી, રાજકોટમાં અમૃત ઘાયલની ગઝલ નવાબીનાં થાણાં હતાં. આ બધા શાયરાઓમાં મુશાયરા લૂંટનારાઓમાં મોખરાનું નામ હતું જલન માતરી. કેટલીક વખત એવું બને કે જે શેરે મુશાયરામાં વાહવાહ મેળવી હોય એજ શેર કોલ્ડપ્રીન્ટમાં આવે ત્યારે હૈયે કે હોઠે ચડતો નથી પણ આમાં થોડાક અપવાદ છે જેમાં જનાબ જલન માતરીનો માનેભર સમાવેશ થઈ શકે છે.
આ શાયરની ખુમારી એવી કે એ ખુદાને પડકારે, સામા આવવાનું કહે. એમનું મૂળ વતન ખેડા જિલ્લાનું માતર ગામ એટલે એમણે તખ્લ્લુસમાં ‘માતરી’ ઊમેર્યું છે. આમ તો જલનભાઈનું મૂળ નામ છે સૈયદ જલાલુદ્દીન સઆદુદ્દીન અલવી.
એમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934માં થયો હતો. જીવનના સંઘર્ષો, વિપદાઓ અને વિટંબણાઓથી એમની ગઝલમાં આક્રોશ દેખાય છે.
ગઝલના સવાસો વર્ષની દડમઝલમાં સાત દાયકાથી જલનભાઈએ સતત ગઝલનું સર્જન કર્યું. ત્રણ ગઝલ સંગ્રહો આપ્યા 1984માં ‘જલન’, 2001માં ‘શુકન’ અને 2012માં ‘તપિશ’. જલનભાઈનું આ ઉપરાંત બહુ જ મોટું પ્રદાન છે કે એમણે એ વખતના સમકાલીન શાયરોના જીવન-કવનની વાત કરતો દસ્તાવેજી ગ્રંથ ‘ઊર્મિની ઓળખ’ આપણને આપ્યો છે. ત્યાર પછી ‘ઊર્મિનું શિલ્પ’ આપે છે બધું મળીને ત્રણ પેઢીના 73 જેટલા ગઝલકારોનો પરિચય મળે છે.
એમણે સંસ્મરણ યાત્રા સમત આત્મકથનાત્મક પુસ્તક ‘ઊઘડી આંખ બપોરે રણમાં’ આપ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ જલનભાઈની 80 જેટલી ગઝલનું પુસ્તક - ‘રહસ્યોના પડદા’ પ્રગટ કર્યું હતું.
‘જલન’ના નોંધનીય પ્રદાન માટે 2007માં ‘વલી ગુજરાતી ગઝલ ઍવોર્ડ’ અને 2017માં પ્રતિષ્ઠિત ‘નરસિંહ મહેતા ઍવોર્ડ’ એનાયત થયો હતો.
જલનભાઈ પરંપરાના શાયર પરંપરાનુસારની ભાષા અને વિષય સાથે પનારો પણ ક્યાંય ખાડાખબડા નહીં.
ચિનુ મોદીએ ‘જલન’ના ગઝલસંગ્રહ ‘શુકન’ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘સદ્ય પ્રવ્યાચન ક્ષમતા એ એમની ગઝલનું વિલક્ષણ તત્ત્વ બની રહે છે.’
આપણા અગ્રગણ્ય કવિ રમેશ પારેખ લખે છે: ‘જલન સાહેબની ભાષા પરંપરા સાથે જોડાયેલી છે છતાં એમના વિચારો પરંપરાને તોડનારા છે. ‘જલન’ હંમેશાં બળવાની અને આક્રોશની ભાષામાં વાત કરે છે એવું નથી. નહીં તો તેમના નામે આ શેર ક્યાંથી જડે?’
વાત સાચી હોય તો કહી દો, રહો ના ભારમાં
સાંભળ્યું છે કે પડ્યા છો આપ મારા પ્યારમાં
‘જલન’ માતરી પાસે ઈશ્ર્વરદત્ત અવાજ હતો, સંગીતની સમજણ હતી અને મુશાયરામાં ગઝલ તરન્નુમમાં રજૂ કરી શકતા હતા. આમ ગઝલના મૂળભૂત તત્ત્વો ગઝલિયત, રંગીની, મૌસિકી અને તસવ્વુફ એમના સર્જનમાં આપોઆપ આવે છે. એ સંયમમાં કવિ હતા. ખુદાને પણ બક્ષે નહીં અને આક્રોશ ઠાલવે ખરા પણ ગઝલિયતના ભોગે નહીં. જોઈએ આ શેર:
અમારા હાલ પ્રત્યે આંખ આડા કાન કરવામાં
અમારા આપ્તજન કરતાં, છે ઈશ્ર્વર બે કદમ આગળ
‘જલન’ની એક ગઝલ જેનું શિર્ષક છે પૈગંબરની સહી નથી જેને નેશનલ બુક ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા દ્વારા ભારતની બીજી ભાષાઓમાં અનુવાદિત કરી છે. ‘સામાજિક સભાનતા, ઈશ્ર્વરની આંતરો વાંતરો કરવાની આદત પ્રત્યે જલન આક્રોશ ઠાલવે છે એને એ વાત સામાન્ય માણસને સ્પર્શે છે એટલે મુશાયરાઓમાં એમના આવા દરેક શે’રને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા.
શ્રોતાઓએ જેને ખૂબ દાદ આપી, ગાયકોએ જેને ગાઈને ખૂબ દાદ મેળવી છે એવી ગઝલોના થોડાક મશહૂર શે’ર કોઈ ટિપ્પણી વગર માણીએ. શબ્દોને બોલવા દઈએ:
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી ફરી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજી કળ વળી નથી.
આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ.
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ.
દુ:ખી થાવાને કોઈ ધરતી પર નહીં આવે
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો
જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
ગમે ન સૌ કવન તો, માફ કરજો એક બાબત પર
ખુદા જેવા ખુદાના ક્યાં બધાં સર્જન મજાના છે?
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
સુખ જેવું જગતમાં કંઈ નથી, જે છે તે આજ છે
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
ઘૂંટી લો શ્ર્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંંડે ગયા વિના કદી મોતી પમાય છે!
ઝૂલ્ફો છે અસ્તવ્યસ્ત ન મુખ ઓળખાય છે
એવું તો કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે.
ભોળા હૃદયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે.
જીવનભોગે જે મેળવેલી આ સિદ્ધિ
ક્યામત સુધી સાચવી રાખવી છે.
જમાનાને કહી દો નહીં ભાગ આપું
મરણ આગવું છે કબર આગવી છે.
આ પણ વાંચો…સર્જકના સથવારે: જન્મ શતાબ્દી વંદના: શબ્દના શિલ્પી ને સંયમી વાણીના કવિ નિરંજન ભગત