અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઝોનલ ઓફિસે ગુજરાતમાં એક મોટા શેરબજાર રોકાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં રોકાણકારોને અવાસ્તવિક રીતે ઊંચા વળતરનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
ઈડી (ED)એ છેતરપિંડી કરેલા નાણાને સોના, ચાંદી, રોકડ અને સ્થાવર મિલકતો જેવી સંપત્તિમાં શોધી કાઢી હતી ત્યારબાદ આ સમગ્ર કૌભાંડની કડી મળી હતી. આ સંપત્તિ શેરમાર્કેટના કથિત કૌભાંડના નાણાથી ખરીવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે સેબીમાં રજિસ્ટર્ડ એક જ સલાહકારના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી અનેક અનરજિસ્ટર્ડ ફર્મ ઊભી કરવામાં આવી હતી. જેના આધારે ઠગોએ કરોડોની છેતરપિંડી કરી હતી.
તપાસ દરમિયાન એજન્સીએ 2.4 કરોડ રૂપિયાની કિંમતનો 110 કિલોગ્રામ ચાંદી, 1.7 કરોડ રૂપિયાની કિંમતનું 1.296 કિલોગ્રામ સોનું, 39.7 કિલો ચાંદીના ઘરેણાં, ભારતીય ચલણમાં 38.8 લાખ રૂપિયા, વિદેશી ચલણમાં 10.6 લાખ રૂપિયા, તેમજ ગેરકાયદે આવકમાંથી મેળવેલા અનેક મિલકત સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને અન્ય લોકો વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રોકાણકારોને શેરબજારમાં ઊંચા વળતરના વચન આપીને લલચાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના તરફથી મળેલા નાણાનું ક્યારેય રોકાણ કરવામાં આવ્યું ન હતું અને તેના બદલે વ્યક્તિગત ઉપયોગ માટે વાપરવામાં આવ્યા હતા. ગુજરાતમાં મોટા પ્રમાણમાં લોકો શેરબજારમાં રોકાણ કરે છે અને વર્ષ 2025માં પણ સૌથી વધારે સાયબર ફ્રોડ શેરમાર્કેટમાં રોકાણના નામે થયા હતા, આથી રોકાણકારોએ ખૂબ જ સતર્ક રહી રોકાણ કરવાની જરૂર છે.