રાજેશ યાજ્ઞિક
જેઓ એમ કહે છે કે ગુજરાતીઓને તો માત્ર રૂપિયા કમાતા જ આવડે છે અને ગુજરાતણો માત્ર ગરબા રમતા જ શીખી છે, તેમણે ગુજરાતની અને દેશની એક લાડકીનું જીવન જાણ્યું નહીં હોય. આપણે વાત કરવી છે આજથી સવાસો વર્ષ પહેલાં જન્મેલી એક ગુજરાતણની. તેના પિતા મનુભાઈ ત્યારની બરોડા કોલેજ (આજે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી)માં ફિલસૂફીના પ્રોફેસર અને પછી વડોદરા રાજ્યના દીવાન હતા. તેમના દાદા ગુજરાતી સાહિત્યનું ગૌરવવંતુ નામ, જેમણે ગુજરાતને સૌપ્રથમ નવલકથા ‘કરણ ઘેલો’ આપી, શ્રી નંદશંકર મહેતા. અને એ લાડકીનું નામ પણ એટલું જ જાણીતું છે, હંસા મહેતા.
દેશમાં જ્યારે સ્ત્રી શિક્ષણનો આંકડો માત્ર 2 ટકા જેટલો હતો, તેવા કાળમાં 1918માં તેઓ પિતાના પગલે ચાલીને ફિલસૂફી વિષય સાથે સ્નાતક થયા. ત્યારબાદ તેઓ પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ગયાં.
આ ઘટનાએ તેમના જીવનમાં નવો વળાંક લીધો. લંડનમાં તેમની મુલાકાત સરોજિની નાયડુ સાથે થઇ. નાયડુ હંસા બહેનના માર્ગદર્શક બન્યા અને તેમને જીનિવામાં 1920ના આંતરરાષ્ટ્રીય મહિલા મતાધિકાર જોડાણ પરિષદમાં લઇ ગયા. ત્યાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓને સહન કરવા પડતા અન્યાયો અને અસમાનતાની જાણ થઇ.
ગુલામ ભારતને આઝાદી અપાવવા લડત ચલાવતા લોકોમાં મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ, તેવી સરોજિની નાયડુની વિચારધારાથી હંસાબહેન પ્રભાવિત થયાં. 1922માં તેઓ જેલમાં બંધ મહાત્મા ગાંધીને મળ્યાં. ત્યાંથી તેમની આઝાદીમાં લડતમાં ભાગીદારી શરુ થઇ. 1923માં, હંસાબહેન ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓની મુલાકાત લેવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યા જ્યાં તેમણે અમેરિકામાં મહિલા શિક્ષણ વિશે ઊંડી જાણકારી મેળવી.
આ બધી ઘટમાળા વચ્ચે તેમણે ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યાં. ડૉ. જીવરાજ મહેતા પણ પ્રખર રાષ્ટ્રવાદી અને ગાંધીવાદી હતા. ગમે તેટલી ભણેલી અને સક્ષમ મહિલાને સમાજ સામે લડવાનો વારો આવે જ છે, તે ફરીવાર સાબિત થયું. નાગર બ્રાહ્મણની દીકરીએ વાણિયાના દીકરા સાથે લગ્ન કર્યાં એટલે હંસાબહેનનો જ્ઞાતિ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. તેમના પતિ ડૉ. જીવરાજ મહેતા આગળ જઈને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા!
1930માં ગાંધીજીએ મહિલાઓને આઝાદીની લડત માટે આગળ આવવા હાકલ કરી. હંસા મહેતાએ વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનો સામે ધરણાંનું આયોજન કર્યું અને ગાંધીજીની સલાહ અનુસાર સ્વતંત્રતા ચળવળની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ માટે તેમને ત્રણ વખત જેલની સજા ફટકારવામાં આવી. તેમણે દેશ સેવિકા દળની સ્થાપના કરી.
1937માં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયેલાં તેઓ પ્રથમ મહિલા હતાં અને શિક્ષણ અને આરોગ્ય મંત્રીના સંસદીય સચિવ તરીકે પણ નિયુક્ત થયાં હતાં. સંસદીય સચિવ તરીકે, તેમણે વ્યાવસાયિક, વાણિજ્યિક અને તકનીકી શિક્ષણ માટે શાળાઓની સ્થાપના કરી. તેમણે 1931-46 સુધી બોમ્બે યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે પણ સેવા આપી.
હંસાબહેનનું રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અદ્ભુત યોગદાન રહ્યું. ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર બંધારણ સભાનો ભાગ રહેલી 15 મહિલાઓમાં તેઓ પણ સામેલ હતાં. તેમણે એવી નાગરિક સંહિતા માટે લોબિંગ કર્યું જે લિંગ સમાનતા તરફ દોરી જાય, જેનો હેતુ આખરે ધર્મ આધારિત કાયદાઓને રદ કરવાનો હતો. તેઓ મૂળભૂત અધિકારો પર સલાહકાર સમિતિ અને પેટા સમિતિના સભ્ય પણ હતાં. આ બંધારણ સભામાં તેમણે ભારતમાં મહિલાઓ માટે સમાનતા અને ન્યાયની પ્રખર હિમાયત કરી.
હંસાબહેન 1926માં બોમ્બે સ્કૂલ્સ કમિટીમાં ચૂંટાયાં અને 1945-46માં ઓલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સની સ્થાપના કરી,અને પછીથી પ્રમુખ બન્યાં. તેમણે મહિલા અધિકારોના ચાર્ટરનો પ્રસ્તાવ મૂક્યો, જ્યાં તેમણે ભારતીય સ્વતંત્રતાના સંઘર્ષને મહિલા અધિકારો માટેના સંઘર્ષ સાથે જોડ્યો. તેમણે એ પ્રતિજ્ઞાનો સમાવેશ કર્યો કે શિક્ષણ, મતાધિકાર, પગાર અને મિલકત જેવાં ક્ષેત્રોમાં મહિલાઓને સમાન અધિકારો છે. તેમણે ખાસ ક્વોટાને પણ નકારી કાઢ્યા, તેના બદલે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાન ક્ષેત્રની હિમાયત કરી. 1946માં, આ પેનલ આખરે મહિલાઓની સ્થિતિ પર યુ.એન. કમિશન બન્યું.
1947-52 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ કાર્યરત રહ્યાં. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર માટેના આંતરરાષ્ટ્રીય અધિકાર બિલ સામે વિરોધ કર્યો. તેની કલમ 1 ની શરૂઆત એ હતી કે "બધા માણસો (પુરુષો) સ્વતંત્ર જન્મે છે અને ગૌરવ અને અધિકારોમાં સમાન છે.” તેમનો વિરોધ હતો કે સમાનતાની વાત કરતી વખતે આ શબ્દો યોગ્ય નથી કેમકે અંગ્રેજી મેન શબ્દમાં વુમનનું સ્થાન ક્યાં? તેમના પ્રયત્નોના કારણે આ શબ્દો બદલીને "બધા મનુષ્યો” કરવામાં આવ્યું.
1946 થી 1948 સુધી, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને 1949થી 1958 સુધી બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમણે સેવા આપી. તેઓ માત્ર ભારતના જ નહીં, પણ વિશ્વમાં શૈક્ષણિક સંસ્થાના કુલપતિ પદે બિરાજનાર પ્રથમ મહિલા હતા.
1949-58 ની વચ્ચે, તેમણે એમએસને એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બનાવી જે તે સમય સુધી ફક્ત એક પોલિટેકનિક, એક સંગીત શાળા અને એક સંસ્કૃત પાઠશાળા હતી. તેમણે સામાજિક કાર્ય અને ગૃહ વિજ્ઞાન ફેકલ્ટી અને સૌથી મહત્ત્વનું, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની સ્થાપના કરી જે આજે ભારતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓમાંની એક છે. 1964માં, રાષ્ટ્રીય મહિલા શિક્ષણ પરિષદની સમિતિના અધ્યક્ષ તરીકે, તેમણે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ અભ્યાસક્રમના દૃષ્ટિકોણને પડકાર્યો અને દલીલ કરી કે "સ્ત્રી યોગ્યતા” જેવી કોઈ વસ્તુ નથી.
બહુ ઓછા લોકો જાણે છે કે, સંયુક્ત રાષ્ટ્રસંઘ તેમના નામે એક ચર્ચા શ્રેણીનું આયોજન કરે છે, જેનું નામ છે ડૉ. હંસા મહેતા સંવાદ. એક ગુજરાતી તરીકે આપણા માટે આ ગર્વ લેવા જેવી વાત છે. લંડનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરીમાં હંસા મહેતાનું બે પુરુષો (તેમના પિતા અને પતિ) સાથેનું એક અસામાન્ય સ્ટુડિયો પોટ્રેટ છે.