Thu Jan 01 2026

Logo

White Logo

અરવલ્લીનો વિવાદ અને ન્યાયતંત્રની ખરડાતી છાપ: : ન્યાયતંત્રની અખંડ ગણાતી નિષ્પક્ષતા સામે હવે કેમ શંકાનાં વાદળ ઘેરાવા લાગ્યા છે?

4 days ago
Author: Mumbaisamachar Team
Video

ન્યાયતંત્રની અખંડ ગણાતી નિષ્પક્ષતા સામે હવે કેમ શંકાનાં વાદળ ઘેરાવા લાગ્યા છે? 

તાજેતરમાં અરવલ્લી કેસનો ચુકાદો જબરો વાદ -વિવાદે ચઢ્યો છે. એ જ રીતે હમણાં હમણાં બળાત્કાર, હત્યા અને અન્ય અપરાધોના કહેવાતા આરોપીઓ પણ આડેધડ જે રીતે નિર્દોષ છૂટી રહ્યા છે એનાથી લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે. એટલું જ નહીં, ભારતનું ન્યાયતંત્ર સત્યને પડખે હોય છે એવી જે છાપ અત્યાર સુધી  લોકમાનસમાં છે 
એ પણ બહુ ઝડપથી ભૂંસાઈ રહી છે. આ સિનારિયો ડરામણો છે...! 

કવર સ્ટોરી - વિજય વ્યાસ

અરવલ્લી પર્વતમાળામાં ખનન સહિતની વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઉધામા સામે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એ ચાર અસરગ્રસ્ત રાજ્યોમાં જનાક્રોશ ભડક્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે અને સોશ્યલ મીડિયા પર સેવ અરવલ્લી ઝુંબેશ ઉગ્ર બની છે. આ મુદ્દે જનાક્રોશ વ્યાજબી છે કેમ કે અરવલ્લીને રૂપિયા રળવા માટે ખોદી દેવાય તો અરવલ્લી પર્વતમાળા આવેલી છે એ ચાર રાજ્ય જ નહીં, પણ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં પણ તેની વિનાશક અસર દેખાય.

આમ તો અરવલ્લી પર્વતમાળા મુદ્દે જનાક્રોશ નરેન્દ્ર મોદી સરકાર સામે છે, પણ વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ વધારે વાંકમાં છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી અરવલ્લીને ખોદાવીને તેની મૂલ્યવાન ખનિજો પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને પધરાવવા માગે છે એવા આક્ષેેપો થયા કરે છે. અગાઉ ઉત્તરાખંડમાં પણ આવું જ થયું હતું. ત્યાં પણ પહાડો ખોદી ખોદીને કહેવાતું ટૂરિઝમ વિકસાવીને મળતિયાઓને ફાયદો કરાવવાની મેલી મુરાદ પણ છે. આ મેલી મુરાદને પાર પાડવા માટે હાલના પર્યાવલણ મંત્રાલયે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા જ બદલી નાંખી. કોઈ પણ પર્વતની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ગણાય છે, પણ તેના બદલે સરકારે તળેટીથી 100 મીટર ઊંચાઈ ના હોય એવો વિસ્તાર પહાડ ના કહેવાય એવી હાસ્યાસ્પદ વ્યાખ્યા કરી નાંખી. આ વ્યાખ્યા હાસ્યાસ્પદ એ રીતે છે કે, પર્વત કંઈ હવામાં નથી બનતો પણ તળેટીથી શરૂ થઈને ઉપર સુધી વિસ્તરે છે. 100 મીટરથી ઓછી ઊંચાઈને પર્વત ના ગણો તેનો મતલબ એ થયો કે, તેના મૂળને જ કાપી નાંખવું.

 સરકારે આ વિચિત્ર વ્યાખ્યા કરીને અરવલ્લીને ખોદી નાંખવાનો કારસો કર્યો તેમાં સુપ્રીમ કોર્ટે પૂરેપૂરો સાથ આપ્યો છે. બલ્કે ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને ફાયદો કરાવી આપવાના કહેવાતા કારસામાં સુપ્રીમ કોર્ટ પણ આડકતરું ભાગીદાર હોય એવું લાગે છે. 

આ વાત માનવા માટે લોકો આમ પ્રજા પાસે પૂરેપૂરાં કારણ છે. પહેલું કારણ એ કે, પર્વતમાળા કોને કહેવાય એ માટે આખી દુનિયામાં એક સ્થાપિત અને સ્વીકૃત વ્યાખ્યા છે. આ સંજોગોમાં અરવલ્લીની નવી વ્યાખ્યા કરવાની જરૂર જ નહોતી, પણ સુપ્રીમ કોર્ટે સામે ચાલીને આ વ્યાખ્યા કરવાનું ફરમાન કર્યું. 

આ વ્યાખ્યા કરવાનું કામ તટસ્થ નિષ્ણાતોને સોંપવાના બદલે સરકારી તંત્રને સોંપ્યું કે જેના ઈરાદા પહેલેથી મલિન છે. સરકારે બનાવેલી કમિટીની ભલામણો તરત જ આવી ગઈ ને સુપ્રીમ કોર્ટે તેને માન્ય પણ રાખી દીધી... ! 
આ આખો ખેલ એક-દોઢ વર્ષના ગાળામાં જ ખેલાઈ ગયો. 

સુપ્રીમ કોર્ટમાં હજારો મહત્ત્વના કેસ પેન્ડિંગ છે અને તેના પર કોઈ નિર્ણય જ નથી લેવાતો. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ પડ્યા કરે છે ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આટલી બધી સ્ફૂર્તિ કેમ બતાવી?

સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (સીઈસી)એ આ કેસમાં સુપ્રીમ કોર્ટે નિમેલા એમિકસ ક્યુરીને લખ્યું છે કે, અરવલ્લીની વ્યાખ્યા કરવા માટે નિમાયેલી સમિતિની ભલામણો તેણે વાંચી નથી કે તેને મંજૂરી પણ આપી નથી  તો હવે સવાલ એ પણ છે કે, ચુકાદો આપનારા માનનીય ન્યાયાધીશોએ પોતાની જ સીઈસીને કેમ અવગણીને ચુકાદો આપી દીધો? 

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઊઠી રહ્યા છે ત્યારે જ દિલ્હી હાઈ કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા ભાજપના નેતા કુલદીપસિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરી દીધી. તેના આધારે જામીન મળી જતાં સેંગર જેલની બહાર આવી ગયા. હાઈ કોર્ટે પબ્લિક સર્વન્ટ એટલે કે જાહેર સેવકની વ્યાખ્યાનું અત્યંત હાસ્યાસ્પદ અર્થઘટન કરીને સેંગરની સજા મોકૂફ રાખી દીધી છે.

 આપણી આ જ સર્વોચ્ચ અદાલતે આ પહેલાં ઓક્ટોબરમાં ચેન્નાઈમાં 7 વર્ષની છોકરી પર બળાત્કાર કરીને હત્યા કરનારા આરોપીને પણ છોડી મૂક્યો હતો...! આ આરોપીને નીચલી કોર્ટે અને મદ્રાસ હાઈ કોર્ટે પણ ફાંસીની સજા ફટકારી હતી પણ સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા નથી અને આરોપીને બલિનો બકરો બનાવામાં આવ્યો છે. નીચલી કોર્ટ અને હાઈ કોર્ટે પણ આ પુરાવાને માન્ય રાખીને ગંભીર ભૂલ કરી છે...

આ પ્રકારના બીજા ઘણા ચુકાદા તાજેતરના સમયમાં જ સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોએ આપ્યા છે અને તેના કારણે ભારતના ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે શંકા થઈ રહી છે. ભારતમાં ચૂંટાયેલી પાંખ એટલે કે સરકાર, વહીવટી પાંખ એટલે કે અધિકારીઓ, ન્યાયતંત્ર અને મીડિયા એ ચાર લોકશાહીના આધારસ્તંભ છે. આ પૈકી સરકાર અને અધિકારીઓ એક તરફ અને મીડિયા તથા ન્યાયતંત્ર એક તરફ એટલે કે સત્યને પડખે હોય છે એવી છાપ લોકમાનસમાં છે એ છાપ પણ બહુ ઝડપથી ભૂંસાઈ રહી છે.  

બીજી તરફ, રાજકારણીઓ અને અધિકારીઓ પહેલેથી ભ્રષ્ટ છે તેથી લોકોને તેમની પાસેથી બહુ અપેક્ષાઓ નથી. મીડિયા વરસો સુધી તટસ્થ હતું અને ભ્રષ્ટાચાર સામે પડવાની ફરજ બજાવતું, પણ છેલ્લાં કેટલાંક વરસોથી મીડિયા પણ સરકાર અને અધિકારીઓનું ચાપલૂસ બની ગયું છે તેથી માત્ર ન્યાયતંત્ર સાબૂત મનાતું હતું પણ આ ચુકાદાઓ જોયા પછી લાગે કે, ન્યાયતંત્રને પણ લૂણો લાગી ગયો છે અને એક સમયે રાજકારણીઓની ધોંસથી મુક્ત મનાતું ન્યાયતંત્ર હવે સત્તામાં બેઠેલા લોકોના ઈશારે વર્તવા માંડ્યું છે.

અરવલ્લીના કેસના કારણે સુપ્રીમ કોર્ટ નજરે ચડી ગઈ પણ વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ શાસકોના ઈશારે વર્તે છે એ પહેલાં પણ અનેક વાર સાબિત થયું છે. આર્થિક નબળા વર્ગ (ઈએસડબલ્યુ) માટેની અનામતને મંજૂરી તેનો ક્લાસિક કેસ છે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ સંખ્યાબંધ વાર એવા ચુકાદા આપેલા કે, અનામતનું પ્રમાણ કોઈ પણ સંજોગોમાં 50 ટકાથી વધારે ના થવું જોઈએ. મોદી સરકારે આર્થિક નબળા વર્ગ (ઈએસડબલ્યુ)નાં લોકો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી એ સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામતનું પ્રમાણ વધીને 59 ટકા થઈ ગયું.
ભૂતકાળના ચુકાદાને જોતાં ઈડબલ્યુએસ અનામત ગેરબંધારણીય જ ઠરે, પણ સુપ્રીમ કોર્ટે ઈડબલ્યુએસ અનામતને બંધારણીય રીતે માન્યતા આપી છે. શાસકોને રાજી રાખવા માટે સુપ્રીમ કોર્ટ પોતાના જ ભૂતકાળના ચુકાદાઓને જ દફન કરી દે તેના કરતાં શરમજનક બીજું શું હોય?

આ તો એક ઉદાહરણ આપ્યું, પણ આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય કે જેમાં સુપ્રીમ કોર્ટ અને નીચલી અદાલતો શાસકોના દબાણ હેઠળ બંધારણને કોરાણે મૂકીને વર્તી રહી છે. ભાજપ શાસનમાં મુસ્લિમોની મસ્જિદો સહિતનાં ધર્મસ્થાનોના સર્વેની મંજૂરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

1993ના વર્શિપ એક્ટ હેઠળ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશમાં ધર્મસ્થાનો જે સ્થિતિમાં હતાં એ જ સ્થિતીમાં તેમને રાખવાનાં છે એ છતાં નીચલી અદાલતો ધડાધડ સર્વેના ઓર્ડર આપી રહી છે કેમ કે તેના કારણે શાસક પક્ષને રાજકીય ફાયદો થાય છે.

  ભારતમાં ચોતરફ ઘોર નિરાશાનો માહોલ છે કેમ કે ભ્રષ્ટાચારને રોકવામાં મીડિયા અને ન્યાયતંત્ર બે જ મુખ્ય સહારા છે. મીડિયાએ તો બહુ પહેલાં જ શાસકો સામે ઘૂંટણ ટેકવી દીધેલા ને કમનસીબે હવે ન્યાયતંત્ર પણ એ જ રસ્તે છે. ન્યાયતંત્ર પણ શાસકોનું કહ્યાગરું બની જાય તેના કારણે તો લોકશાહી જ ખતરામાં આવી જશે. ભવિષ્યમાં શાસકો પોતાની સત્તા ટકાવવા માટે બહુમતીના જોરે ગમે તેવા કાયદા બનાવી દેશે કે નિર્ણયો લઈ લેશે ને સુપ્રીમ કોર્ટ તેના પર મંજૂરી મહોર મારી દેશે પછી શાસકોને કોઈ રોકનાં જ નહીં હોય.

આ સ્થિતિ આવે એ પહેલાં આ દેશનાં લોકો જાગે એ જરૂરી છે. ન્યાયતંત્રમાં પણ જેમનો અંતરાત્મા મરી પરવાર્યો નથી એવા લોકોની હજુ બહુમતી છે. એ લોકો પણ ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જાળવવા માટે સક્રિયતા બતાવે એ જરૂરી છે, નહિંતર આ દેશમાં લોકશાહી જ નહીં ટકે નહીં રહે.