Thu Jan 01 2026

Logo

White Logo

લાફ્ટર આફ્ટરઃ : ક્રેડિટ કાર્ડ તો આપો?

2 hours ago
Author: Mumbaisamachar Team
Video

પ્રજ્ઞા વશી

‘સાંભળો છો? મહેમાન આવવાના છે ને ઘરમાં શાકભાજી, દૂધ, અનાજ વગેરે વગેરે લાવવાનું છે. તો મને તમે બે હજાર રૂપિયા આપી રાખો. એટલે હું રસોઈ કરીને બપોરે રિક્ષા કરીને માર્કેટમાંથી એક સાથે બધું લેતી આવીશ.’
‘તે તું તારા વગેરે વગેરેનું લિસ્ટ મને આપી દે. હું બધું લાવીને ઘર ભેગું કરી દેવા. તારે ઊંચકવાનું પણ મટે.’

(ચોવીસ કલાક ઘરમાં બેસી કંટાળ્યા લાગે છે ભાઈ. બજારમાં નીકળવાના લાગે છે. પોતાને મનગમતું ખાવાનું હો ઢગલો લઈ આવશે.)
‘તે તમને એમ છે કે હું બે હજાર રૂપિયામાં કટકી મારીશ? કે પછી બધા પૈસા સાડી કે ઘરેણાં લાવવામાં વાપરી નાખીશ?’

‘ના, ના. સાવ એવું પણ નથી.’ એમ કહી હીંચકે ઝૂલવા લાગ્યા.
‘ના, ના, સાવ એવું પણ નથી એટલે શું?’
‘એટલે કંઈ નહીં. સવાર સવારમાં માથું ના ખાતી.’

‘તો તમે સવાર સવારમાં શું કરો છો? જ્યારના રિટાયર્ડ થયા છો ત્યારના હીંચકે ઝૂલવાનું અને ઑર્ડર છોડવાના. ઘરમાં આમ કેમ છે? તેમ કેમ છે? રસોઈ કેમ નથી? ફલાણું ક્યાં ગયું? ફોન પર કોની સાથે વાત કરે છે? શોપિંગ શું કામ કરવા જાય છે? કેટલા રૂપિયા બગાડી આવ્યાં? રિક્ષાવાળાને કેટલા આપ્યા? બાપ રે બાપ! હું તો આખો દિવસ આરોપી બનીને કોર્ટના કઠેડામાં ઊભી હોઉં એવી મારી તો ખરાબ દશા થઈ ગઈ છે. બાજુવાળા રમેશભાઈને જોઈ લો. કેવા સાલસ, કેવા મહેનતુ અને પરોપકારી!

પત્ની સાથે પણ કેટલા પ્રેમથી વાતો કરે. બંને સાથે જ જમવા બેસે. સાંજે વોક કરવા પણ સાથે જાય. શોપિંગમાં પણ જરાય માથું ના મારે. સીધા ખિસ્સામાંથી કાર્ડ જ આપી દે. જેટલું શોપિંગ કરવું હોય એટલું ધરાઈને મીરાબહેન શોપિંગ કરી શકે.’

(ભાઈ તો બધામાં જ માથું મારે. શાક, રેશનથી લઈ ઘરના ઝાડુ, પોતાનો સામાન હો જાતે લેવા જાય. વિશ્વાસ કરે એ બીજા!)

‘સાંભળો છો? આજે સાંજે મહેશ્વરી હોલમાં પાણીના ભાવે સેલ છે. સાડીથી લઈ જાતજાતની વસ્તુ પાણીના ભાવે. કાલે મહેમાન આવશે તો એમને પણ તો સાડી આપવી પડશે. તમારી ત્રણ કાકી અને ત્રણ દીકરી માટે છ સાડી અડધા ભાવે લઈ આવીશ. તમારે તો કેવી મોટી બચત થશે! એક કામ કરો. રોકડા દસ હજાર કરતાં તમારી તિજોરીમાં સાચવીને મૂકેલા જાતજાતનાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ, સિલ્વર, ગોલ્ડન અને ઇન્ટરનેશનલ કાર્ડમાંથી કોઈપણ એક કાર્ડ આપશો તો ચાલી જશે. આમ પણ મારે બહેનપણીઓ સામે વટ પાડવાનો છે.

દર વખતે બાજુવાળી મીરાં, રૈના, સુષ્મા, પન્ના જાતજાતનાં ક્રેડિટ કાર્ડ કાઢીને મને નીચું જોવડાવે છે. પેલી લુખ્ખી મીના - કે જેનો પતિ સાવ બેકાર છે- એ પણ ક્રેડિટ કાર્ડ લાવીને આંગળીમાં ગોળ ગોળ ફેરવીને મને પૂછે, ‘તું ક્રેડિટ કાર્ડ વાપરતી નથી? તું ગૂગલ પે કરતી નથી? તું જરા પણ અપડેટ કેમ નથી થતી?’ મને તો એટલું નીચા જોણું થાય છે કે…. મારા કરતાં તમારી ઇજ્જતનો મને વિચાર આવે છે. લોકો શું વિચારશે કે રમલીને એનો હસબન્ડ એક કાર્ડ સુધ્ધાં નથી આપતો?’

‘મારી ઇજ્જત ઉપરનું પ્રવચન પત્યું, રમીલાબહેન? તો હું કશું બોલું?’

‘તમે શું બોલવાના? બોલવા જેવું ક્યાં રાખ્યું જ છે? રેશન તમે લાવો, ફિનાઈલ, એસિડ, પોતાં, કાંસકો, પાવડર સુધ્ધાં તમે લાવવા દોડી જાવ અને બે રૂપિયાનો કાંસકો બસો રૂપિયામાં લાવો. ઠગાઈને આવો, પણ સતી સીતા જેવી પત્ની ઉપર વિશ્વાસ ન હોવાથી એક રૂપિયો સુધ્ધાં શોપિંગ કે કોથમીર લેવા ન આપો.

તિજોરી ઉપર ફેણિયા નાગની જેમ બેઠા છો, પણ યાદ રાખજો. પેલું કયું મંદિર કે જેનાં દ્વાર ખૂલતાં નથી અને સરકારે પણ ખજાનાથી હાથ ધોઈ નાખ્યા છે? એ રીતે જ તમારી તિજોરી રામ જાણે કોણ સફાચટ કરી જશે! અને પેલા જાતજાતનાં કાર્ડ મને બતાવી બતાવીને, વારંવાર લલચાવીને પાછા તિજોરી ભેગાં કરો છો, તે ઠેરના ઠેર રહી જશે. એના કરતાં છૂટથી વાપરો અને બીજાને વાપરવા દો.’

‘રમીલાબહેન, તમે બોલી રહ્યાં હોય તો હવે હું બોલું?’

‘હા, હા, હવે તમે ઘરે બેઠા બેઠા નવું શીખ્યા છો. ગાંધીજી જેમ તેમનાં પત્નીને કસ્તુરબા કહેતા, તેમ તમે મને બા નહીં, તો બહેન લગાવીને… મને ‘ રમીલાબહેન’ કહીને એક અલગાવની દીવાલ ઊભી કરી રહ્યા છો. હવે રહી રહીને હું તમને અળખામણી ને લો કેટેગરીની લાગુ છું. એટલે તમે મને શોપિંગ માટે રોકડા રૂપિયા કે ક્રેડિટ કાર્ડ આપતા નથી. તમારાં સગાં હવે ભેટ લીધા વિના સુરતથી ધોયેલાં મોઢા જેવાં જશે અને ગામ આખામાં મારી જ બુરાઈ થશે.

બધા વાંક તો વહુનો જ કાઢે ને? જાણી જોઈને બેંકિંગ પણ શીખવતા નથી, કાર્ડ આપતા નથી. આના કરતાં તમે રિટાયર્ડ જ ના થયા હોત, તો હું ભર બપોરે આરામથી રિક્ષા કરાવીને મન ફાવે તે બજારમાં ફરતી હોત અને પાણીના ભાવે વસ્તુ લાવીને પૈસાની બચત પણ કરી શકત. મારી બા તો ફોન ઉપર સલાહ આપે જ છે કે જમાઈને માથે ના ચડાવતી. બીજી કોઈ પાર્ટટાઇમ નોકરીએ લગાવી દે. કામને બહાને બહાર જશે તો બે પૈસા કમાશે અને તું શાંતિથી શોપિંગ કરી શકશે. આમ પણ જમાઈ ભારે કંજૂસ છે. સીધી આંગળીથી ના નીકળે તો ટેઢી આંગળીથી પણ લક્ષ્મી કઢાવતી રહેજે ને સોનું - ચાંદી ભેગું કરજે. સ્ત્રીનું આ છૂપું ધન ગમે ત્યારે કામ આવે છે. સમજી?’

‘હવે તમે બોલી રહ્યાં હો તો હું બોલું?’
‘જોયું… જોયું? નામ બોલવામાં પણ કંજૂસાઈ કરે છે આ માણસ! હવે આવા માણસનું મારે શું કરવું? કહો.’

ત્યાં પતિદેવ મોટું પોટલું લઈને ખોલતાં બોલ્યા, ‘કાલે રાતે ઊંઘ નહીં આવી, ત્યારે બોક્સ પલંગમાંથી આ પોટલાં કાઢ્યાં અને થોડાં માળિએથી પણ કાઢ્યાં. રમીલાબહેન, આમાં પ્રાઇઝ ટેગ સાથે પચ્ચીસ સાડીઓ છે. એનું શું પાણીના ભાવે સેલ કાઢવાનાં છો? બોલો, આની પ્રાઇઝ. હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા તૈયાર છું અને મારી કાકીઓને આમાંથી કઈ સાડીઓ આપવાની છે તે બહાર કાઢી લો. બાકીનું સેલ આપણે ઓટલા ઉપર કાલથી ખૂલ્લું મુકીશું. વ્યાજ નહીં મળશે, પણ મુદ્દલ તો મળી જ જશે. ડાર્લિંગ, તારી પસંદગી ખરેખર સારી છે હોં! અને આ ખરીદીના પૈસા કઈ તિજોરીમાંથી તને મળ્યા હતા વહાલી?’