કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 11)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ
અમે લંડન ગયાં એ પહેલાં મેં મનોમન જીવવાની આશા છોડી દીધી હતી, પણ કિશોરને કોણ જાણે કેમ એવું લાગતું હતું કે, લંડનમાં મારી તબિયત સુધરશે. મેં એને ખૂબ સમજાવ્યા કે આપણે પહેલાં લંડન જઈને મારી તબિયતની તપાસ કરીએ પછી લગ્ન કરીએ, પરંતુ કિશોરે આગ્રહ રાખ્યો કે, લગ્ન કરીને જ લંડન જઈએ! મેં જ્યારે સાંભળ્યું કે મારી પાસે બે વર્ષથી વધારે સમય નથી, ત્યારે મેં હોસ્પિટલના દસમા માળેથી કૂદવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કિશોર સમયસર જાગી ગયા અને એમણે મને કૂદતી અટકાવી! શું ફાયદો થયો? મૃત્યુ નિશ્ચિત હતું… હું એ જ ક્ષણે ગુજરી ગઈ હોત તો આ પીડામાંથી પસાર થવું પડ્યું ન હોત! આજે જે રીતે પીડાઈ રહી છું એમાંથી તો બચી હોત! ખેર, હવે કલાકોનો પ્રશ્ન છે પછી હું મારા આખરી સફર પર નીકળી જઈશ!
લંડનથી પાછા આવ્યા ત્યારે મેં ‘અરેબિયન વિલા’માં રહેવાને બદલે મારા પતિને ઘેર, ‘ગૌરી કુંજ’ રહેવાનું નક્કી કર્યું, પરંતુ કિશોરના માતા-પિતાએ મારો સ્વીકાર ન કર્યો અને એ ‘ગૌરી કુંજ’નું ઘર છોડીને અશોક કુમારને ઘેર રહેવા ચાલી ગયા. નોકરો સિવાય એ ઘરમાં કોઈ નહોતું. નાનકડો છ વર્ષનો અમિત, જેને રૂમાદેવી પાછો મૂકી ગયા હતા એણે કદાચ મારી પાસેથી માતૃત્વની અપેક્ષા રાખી હશે, પણ હું તો પથારીમાંથી જ ઊઠી શકતી નહોતી, એને માટે શું કરી શકું!
ડોક્ટરોએ કિશોરને સ્પષ્ટ કહ્યું હતું કે, મારી સાથે શરીરસંબંધ બાંધવાનો પ્રયત્ન ન કરવો. કદાચ, આવા કોઈ એક્સાઈટમેન્ટમાં કે હૃદયના ધબકારા વધવાને કારણે મારું હાર્ટ ફેઈલ થઈ શકે છે… હું એમને જેટલા નજીક લાવવાનો પ્રયાસ કરતી એટલા એ ઈરાદાપૂર્વક મારાથી દૂર રહેતા. એકાંત ટાળતા! મને ખૂબ ફ્રસ્ટ્રેશન આવતું કે, હું એમને શરીરસુખ આપી શકતી નહોતી, પરંતુ હું પણ કંઈ કરી શકું એમ નહોતી. મને એક ડર લાગતો, ક્યાંક કિશોર મને તલાક ન આપી દે! જોકે, એમણે કોઈ દિવસ એવી કોઈ વાતનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી.
આજે વિચારું છું તો સમજી શકું છું કે, એમને કેટલી તકલીફ થઈ હશે. સાંઈઠના દાયકામાં એમનું કામ વધવા લાગ્યું હતું. પાર્શ્વ ગાયક તરીકે એમનું નામ ખૂબ લોકપ્રિય થતું ગયું. એ વ્યસ્ત રહેવા લાગ્યા હતા. મારું ધ્યાન રાખવા માટે નોકરચાકર હતા, પરંતુ બીમારી અને એકલતાને કારણે હું ચીડચીડી થઈ ગઈ હતી. એ જ્યારે ઘરે આવતા ત્યારે એમની સાથે સારી રીતે વાત કરવાને બદલે મારી પાસે ફક્ત ફરિયાદો હતી.
મારી જીદ કે વારંવારના આગ્રહને કારણે ડરીને કદાચ એમણે મને ‘અરેબિયન વિલા’ શિફ્ટ કરવાનું નક્કી કર્યું. હું અબ્બુને ઘરે પાછી આવી ગઈ. અખબારો અને ફિલ્મી દુનિયાના લોકોએ આ વાતને ખૂબ ચગાવી. લોકોએ એવી વાતો પણ કરી કે, કંજુસ કિશોર કુમારે સારવારનો ખર્ચ ન કરવો પડે એટલા માટે મધુબાલાને એના પિતાને ઘરે શિફ્ટ કરી દીધી! દુનિયાને મોઢે ગરણું નથી બાંધી શકાતું.
સારી-ખરાબ વાતો કરનારા લોકો આપણી આસપાસ હોય જ છે, પરંતુ હું જાણું છું કે, કિશોર મને મળવા રોજ આવતા. હું સાવ એકલવાયી અને અંધારામાં પડી રહેતી ત્યારે કિશોરે પ્રોજેક્ટર વસાવ્યું. ઘરમાં જ 16 એમ.એમની ફિલ્મો જોઈ શકાય એવી વ્યવસ્થા કરી. મારા મનોરંજન માટે એ બને તેટલો પ્રયાસ કરતા, પરંતુ હું કોઈ રીતે ખુશ નહોતી રહી શકતી…
એ ગાળામાં એક વાર યુસુફ મને મળવા આવ્યો. કદાચ, દયા આવી હશે કે પછી લોકોના મોઢેથી મારી સ્થિતિ સાંભળીને એને લાગ્યું હશે કે, છેલ્લીવાર મને મળી લે! ‘ગંગા જમના’ની રિલીઝ પછી દિલીપ કુમારની એક નવી જ ઈમેજ ઊભી થઈ હતી. યુસુફ મળવા આવવા લાગ્યો ત્યારથી મારી તબિયત થોડી સારી થવા લાગી. પૈસાની તકલીફ તો હતી જ, પરંતુ મને કોઈ પર વિશ્વાસ નહોતો. થોડા ઘણા પૈસા મારી પાસે હતા એ મેં યુસુફને આપ્યા અને કહ્યું કે, મને આ પૈસા ઈન્વેસ્ટ કરી આપ. દર મહિને થોડા પૈસા મળે એવી વ્યવસ્થા કરી આપ.
દિલીપે એ પૈસા બેંગ્લોરના એક ડિસ્ટ્રિબ્યુટરને આપ્યા. મને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળે એવી વ્યવસ્થા થઈ, પરંતુ કિશોરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એને ખૂબ આઘાત લાગ્યો. મેં એના પર ભરોસો ન કર્યો અને યુસુફને પૈસા આપ્યા એ વાતે અમારી વચ્ચે મન ઊંચા થઈ ગયા. કિશોરે મળવા આવવાનું બંધ કરી દીધું! મેં એની માફી માગી… થોડા દિવસ તો એ નારાજ રહ્યા પછી એક દિવસ મેં કહ્યું, ‘કિસી દિન ઐસે હી મર ગઈ તો બીવી સે નારાજ રહોગે, ઓર ફિર કભી મિલ નહીં પાઓગે.’ કિશોરને સત્ય સમજાઈ ગયું. એણે ફરી એક વાર રોજ આવવાનું શરૂ કરી દીધું.
14 ફેબ્રુઆરી, 1969… મારો 36મો જન્મદિવસ હતો. ‘સિને એડવાન્સ’ નામની એક પત્રિકાને મેં ઈન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે એણે પૂછ્યું હતું, ‘તમારી બીમારીમાંથી સ્વસ્થ થયા પછી તમે શું કરવાનું વિચાર્યું છે?’
મેં કહ્યું હતું, ‘હું ચોક્કસ કહી શકતી નથી, પણ જો અલ્લાહ મને કંઈક કરવાની શક્તિ આપશે, તો હું ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરીશ. મારી એકમાત્ર ઈચ્છા શક્ય તેટલી વધુ ફિલ્મોમાં કામ કરવાની છે.’ આ કહેતી વખતે મને ખબર હતી કે, હું કોઈ ખ્વાબોની દુનિયામાં છું. આવું કશું થવાનું નથી-અલ્લાહ મને ફરી ઊભી નહીં થવા દે એ હું જાણતી જ હતી.
ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું હતું, ‘શું તમે અત્યાર સુધી ફિલ્મોમાં જે શ્રેષ્ઠ કામ કરી શક્યા છો તેનાથી ખુશ નથી?’ મેં એને કહ્યું હતું, ‘ના, કોઈપણ ભૂમિકા કેટલી સારી રીતે ભજવી શકાય એની કોઈ મર્યાદા નથી હોતી. મારી જૂની ફિલ્મોમાં કરેલા કામ કરતાં હજુ વધુ સારું કામ હું કરી જ શકું છું.’ હું શું બોલી રહી હતી! હવે કામ કરવાનો જ સવાલ નહોતો…
એણે સવાલ પૂછ્યો હતો, ‘શું તમે મને તમારા અનુભવો અને યાદો વિશે કંઈક કહેવા માગો છો?’
મેં કહ્યું હતું, ‘મારે હજુ ઘણો અનુભવ મેળવવાનો બાકી છે. યાદો જીવનના અંતમાં આવે છે, અને તે માટે હજુ પણ ઘણું વહેલું છે. હું લાંબું જીવવા માંગુ છું.’ આ મારી દુઆ હતી, જુનુન કે આરઝુ હતી… પણ, મારી દુઆ કબૂલ થવાની નહોતી! ‘ફરી ફિલ્મોમાં કામ કરીશ ત્યારે જોઈશ કે હું કેટલી સફળ થઈશ.’ પછી, થોડીવાર મૌન રહીને મારા જ શબ્દોની વ્યર્થતા સમજીને મેં કહ્યું હતું, ‘શું તમારી ઈચ્છા છે કે હું એક કલાકાર તરીકેનું મારું જીવન અધૂરું છોડી દઉં? અલ્લાહની શરણાગતિ સ્વીકારું છું, પરંતુ એને વિનંતી કરું છું કે, મને થોડું વધારે જીવવા દે.’ મને ડૂમો ભરાઈ ગયો હતો. મેં રુંધાયેલા ગળે કહ્યું હતું, ‘મને હજુ કામ કરવા દો! મને હજી વધુ જીત અને હાર જોવા દો!’
પણ, એ બધું ઈન્ટરવ્યૂ લેનારના હાથમાં ક્યાં હતું? એ તો અલ્લાહના હાથમાં હતું અને અલ્લાહ પોતાનું ફરમાન આપી ચૂક્યા હતા. 14મી ફેબ્રુઆરી પછીના અઠવાડિયે મારી તબિયત બહુ બગડી. 21મીએ શુક્રવાર હતો. હું નમાઝ પઢીને હું પથારીમાં સૂતી એ પછી ઊઠી શકી નહીં. મને હૃદયમાં ખૂબ પેઈન થયું. આ બીજો હાર્ટ એટેક હતો. શુક્રવારે મને મળવા આવેલા કિશોર રોકાઈ ગયા. શનિવારની સવાર થોડી સારી ઊગી… પરંતુ, સાંજ સુધીમાં હું ખૂબ પીડામાં હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. રવિવારે સવારે કિશોરને કોલકાતા જવાનું હતું. મેં એમને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજારોનું નુકસાન થઈ જાય એમ હતું એટલે એ રાત્રે પોતાના ઘરે ગયા. સવારની ફ્લાઈટ હતી.
અડધી રાત્રે અબ્બુએ એમને ફોન કર્યો. એ ‘અરેબિયન વિલા’ આવ્યા ત્યારે હું શ્વાસ લઈ શકતી નહોતી. સહુ આસપાસમાં રડી રહ્યા હતા ત્યારે મેં કહ્યું, ‘રોના બંધ કરો ઔર મુઝે ચૈન સે મરને દો!’ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ એ પછી મેં આંખો ખોલી નહીં…
નોંધ: 22 ફેબ્રુઆરીએ પોણા દસ વાગ્યે મધુબાલાનું મૃત્યુ થયું. બપોરે અઢી વાગ્યે એમનો જનાજો ‘અરેબિયન વિલા’થી લઈ જવામાં આવ્યો. એમની અંતિમ યાત્રામાં પૃથ્વીરાજ કપૂર, આશા પારેખ, નૌશાદ, માલા સિંહા, જયકિશન, સુનીલ દત્ત, નરગિસ, નિમ્મી, વિજયાલક્ષ્મી, ગીતા દત્ત, તબસ્સુમ જેવા અનેક લોકો હતાં. દિલીપ કુમાર ‘ગોપી’ના શુટિંગ વખતે ચેન્નાઈ હતા, એ પહોંચ્યા ત્યારે દફનક્રિયા પૂરી થઈ ગઈ હતી. દુ:ખની વાત એ છે કે, એમણે છેલ્લા દિવસોમાં અનેક લોકોને ફોન કર્યા, પરંતુ કોઈ મળવા આવ્યું નહીં! એમનો છેલ્લો જન્મદિવસ એકલવાયો અને પીડામાં વીત્યો. (સમાપ્ત)