છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં અભિનેતા સયાજી શિંદેના પ્રોજેક્ટ સાઇટ પર આગ લાગવાથી વૃક્ષોને નુકસાન થયું હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે.
પાલવન ગામમાં 'સહ્યાદ્રી દેવરાઈ' પ્રોજેક્ટમાં બુધવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નથી. બિડમાં ફાયર એન્જિન બગડેલું હોવાથી આગ ઓલવવા માટે ગેવરાઈ ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી અને તેમણે દોઢ કલાકમાં આગને કાબુમાં લાવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પાલવન પ્લાન્ટેશન સાઇટ પર ઓગસ્ટ ૨૦૧૭ માં કામ શરૂ થયું હતું. પ્રોજેક્ટ હેઠળ ૪૦ હેક્ટરમાં લગભગ ૧.૬૫ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, એમ સહ્યાદ્રી દેવરાઈની વેબસાઇટ પર જણાવાયું છે.
અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સભ્ય અભિનેતા અને વૃક્ષપ્રેમી શિંદેએ ગયા મહિને કહ્યું હતું કે જો સરકાર ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થનારા કુંભ મેળા પહેલા નાસિકના તપોવન વિસ્તારમાં વૃક્ષો દૂર કરીને 'સાધુ ગ્રામ' બનાવવા પર અડગ રહેશે તો તેઓ તેનો વિરોધ કરશે.