શ્વેતા જોષી અંતાણી
મીની એક એવી છોકરી, જે જિંદગીને પુરજોશથી જીવવા ટેવાયેલી. એની હાજરી માત્રથી ઓરડો જીવંત થઈ ઊઠે. એના શબ્દો એટલે જાણે આબેહૂબ આનંદના પ્રતીક. સ્વભાવે એ અત્યંત વાચાળ. એના વિચારો કોઈ જ ખચકાટ વગર પ્રદર્શિત થતા.
અન્યાયની વાત આવે ત્યારે એ ઝાંસીની રાણી બની જતી અને અભાવની વાત નીકળે ત્યાં ભાવવિભોર. આવી મીની પોતાના મિત્રો અને પોતાના વ્હાલુડાઓની રક્ષા કાજે રાણકબાઈ બનીને ઊભી રહેતી અને અણગમતા લોક માટે આફત.
તેજ બુદ્ધિ, મજબૂત મનોબળ ને ખુશમિજાજ સ્વભાવે ભેગાં મળી મીનીના વ્યક્તિત્વનું સાવ અનોખું ઘડતર કરેલું. જોકે એનું જીવન પહેલેથી થોડા વિરોધાભાસોથી ભરેલું રહ્યું. ઘરમાં એકબાજું મસ્તીખોર મીની હતી તો બીજી તરફ મૂંગાદેવ સમાન બહેન રીંકુ મેદાન મારી જતી. સ્કૂલમાં મિજાજી મીની ચોતરફ છવાયેલી રહેતી ત્યારે વખાણ ખાટી જતી એની બેસ્ટ ફ્રેન્ડ બુલબુલ. જે એના નામ માફક ચહેકતા નહોતી શીખી. ઊલટું સાવ ચૂપ રહેતી. જાણે મોંમાં જીભ નથી.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ તીખાશનો તરખાટ
મીની એને ‘બોબડી બુલબુલ’ કહીને ચીડવતી, પણ થયું એવું કે, ઉંમર વધી એમ આ મૂંગી રીંકુ ને બોબડી બુલબુલ લોકોનું ધ્યાન ખેંચવા લાગ્યાં. આમ પણ ટીનએજમાં ઠરેલાં અને ઠાવકાં હોવાનો બહુ ફાયદો મળતો હોય છે , જે આ બંનેને પણ મળ્યો. ઓછું બોલવાના ગેરફાયદા કરતાં ફાયદા અનેક હતા. જ્યારે મીનીને બોલવામાં કોઈ બંધન ના નડે. એની જીભ તો જાય ભાગી એટલે એક તબક્કે બોલબોલ કરીને માથું પકવતી મીની બધાંને કઠવાં લાગવા માંડી.
ધીમે-ધીમે એના પર કમેન્ટ્સનો મારો ચાલુ થયો :
‘યાર, તું આટલું બધું બોલીને થાકતી નથી? તે લપલપિયા કાચબાની વાર્તા સાંભળી છે? તું આટલું બધું કેમનું બોલી શકે છે.’ આ મતલબનાં વાક્યો મીનીના કાને રોજેરોજ અફળાવા લાગ્યાં. શરૂઆતમાં મીનીએ ગણકાર્યું નહીં. હસીને વાત ઉડાવી દીધી, પણ એક દિવસ લાઈબ્રેરીમાં બે છોકરી વચ્ચેની ખુસરપુસર એના કાનને વીંધતી ચાલી :
‘આ જો બકબક બસંતી. માય ગોડ, કેટલું બોલે છે. એ નજીક આવે તો ડર લાગે કે હવે આપણને ભણવા દેશે કે નહી.’
આ વાક્ય મીનીના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું. જીવનમાં પહેલીવાર એને જાત માટે અણગમાનો અહેસાસ થયો. પોતાના પર ઘૃણાનો ભાવ ઊભરાયો. ‘હું કેમ બોલ્યા વગર નથી રહી શકતી… બધા મને હંમેશાં કેમ ટોક્યા રાખે છે..?. શું બોલવાની આવી બધી સજાઓ મળતી હશે.’ બસ, એ દિવસથી હરહંમેશ હસતી-રમતી રહેતી મીની ચૂપ થઈ ગઈ. એ જાતને સહુથી અલગ મહેસૂસ કરવા લાગી. એનો આત્મવિશ્વાસ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. દરરોજ રાત્રે એ વિચારતી : ‘શું ખોટું છે મારામાં… હું કેમ ચૂપ ના રહી શકું?’
અંતે એ હતાશાની સોડમાં એવી તો સંતાઈ કે હાસ્ય એનાથી જોજનો દૂર વહી નીકળ્યું. શબ્દો સંગાથ છોડી ગયા ને આત્મવિશ્વાસનો કચ્ચરઘાણ વળી ગયો. ધીમે ધીમે એને ઘરમાં રીંકુ ને સ્કૂલમાં બુલબુલ સાથે સરખામણીનો અનુભવ થવા લાગ્યો.
પોતાના શબ્દો પર એને અણગમો ઊભરાતો. રીંકુ જે શાંત, સાધારણ કોઈ સંઘર્ષ વગર જીવન જીવી રહી હતી અને બુલબુલ બોલ્યા વગર બોલ્ડ દેખાતી એનાથી મીનીને ઈર્ષ્યા થવા લાગી. એણે જાતને અળગી કરી લીધી. પોતાની જીવંતતા ગુમાવી દીધી અને તોય લોકો કંઈ એમ એના પર ઓળઘોળ ના થયા. પરિણામ એ આવ્યું કે, પહેલા મીની માઉસ જેવી ગોળમટોળ દેખાતી મીની છછૂંદર જેવી થઈ ગઈ.
આ તો ભલું કરજો કે, દિવાળીની રજાઓ આવી ને ઘરમાં અદિતની એન્ટ્રી પડી. અદિત એટલે મીનીનો સૌથી વહાલો ભાઈ- એના મામાનો દીકરો. મીની માટે જેને સગ્ગી બહેનથી પણ વિશેષ સ્નેહ હતો એવા અદિતે પગ મુકતાંવેંત હરખ-શોક બંનેનો અનુભવ એકસાથે કર્યો. મીનીને મળવાના ઉત્સાહ સાથે આવેલા અદિતને મીનીને જોઈ આંચકો લાગ્યો. એ રાત્રે અગાશીની પાળી પર બેસેલા ભાઈ-બહેને દિલ ખોલીને વાત કરી.
મીનીએ મહિનાઓ પછી પોતાની ચિંતા, તુલના, ઈર્ષ્યા, બંધન બધું જ છુટ્ટું મુક્યું. અદિત તો મીનીના ન્યુ નોર્મલ વર્ઝનને જોઈ અવાચક રહી ગયો. ઘડીક હબક ખાધા બાદ એણે ગળું ખંખેર્યું પછી બોલ્યો, "મીની, શાંત રહેવાનો મતલબ એ નથી કે, તું જે છે એ બદલી નાખે. જ્યાં જરૂર લાગે ત્યાં તારે ચોક્કસ બોલવાનું છે. અમુક સમયે ચૂપ રહેવું એ તો કાયરતાની નિશાની કહેવાય અને કોઈ બીજા માટે તારા સ્વભાવને બદલવાની પણ જરૂર નથી. હા, માત્ર જ્યાં એનો અતિરેક થઈ રહ્યો છે ત્યાં અટકતા શીખ. પછી જો બધું જ સરખું થઈ જશે. મને મારી ઓરિજનલ મીની પાછી જોઈએ છે. મીની માઉસ જેવ સમજી!”
મીની હસી પડી. વેકેશન ખૂલતાં મીનીએ પોતાના ડરનો સામનો કરવાનો નિર્ણય લઇ લીધો. એ સ્કૂલમાં ગઈ, માથું ઊંચકીને જાતની અંદર આત્મવિશ્વાસને ફરી બેઠો કર્યો. પહેલા થોડું અજીબ લાગ્યું, પણ જેમ-જેમ સમય પસાર થયો એમ એણે જોયું કે, પોતે બોલે કે ચૂપ રહે. એનાથી લોકોને બહુ ખાસ કોઈ ફર્ક પડતો નહોતો. બસ, એ દિવસે રિસેસમાં પેલી ખોવાયેલી મીની એને ફરી જડી. જે હસી-મજાક કરતી, ખુલ્લા દિલે બોલતી, લોકોને સલાહ આપતી અને વિચારોને નચિંત રીતે પ્રદર્શિત કરતી. મીનીના જાણે જીવમાં જીવ આવ્યો. એણે શીખી લીધેલું કે જીવન જાતને સાબિત કરવા માટે નથી હોતું. જિંદગી તો ખુદ જાતની સ્વીકૃતિ માગે છે.