અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) એ પાકિસ્તાની એજન્ટો સાથે લશ્કરી મથકો અને કર્મચારીઓ વિશે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપમાં એક નિવૃત્ત આર્મીમેન અને એક મહિલાની ધરપકડ કરી હતી.
આરોપી અજયકુમાર સિંહને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીએ ભારતીય સેનાની રેજિમેન્ટની ગતિવિધિઓ અને મુખ્ય લશ્કરી અધિકારીઓની ટ્રાન્સફર વિશે માહિતી આપવા માટે લલચાવ્યો હતો, જ્યારે અન્ય આરોપી, રશ્મણી પાલને અમુક વ્યક્તિઓને હનીટ્રેપમાં ફસાવવાનું કહેવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મૂળ બિહારનો વતની અજયકુમાર સિંહ (47) ની ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે 2022 માં નિવૃત્તિ પછી એક ડિસ્ટિલરીમાં કામ કરતો હતો. જ્યારે મૂળ ઉત્તર પ્રદેશની 35 વર્ષીય રશ્મણીને કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી પકડી લેવામાં આવી હતી, જ્યાં તે ખાનગી ટ્યુશન લેતી હતી, એમ એટીએસએ જણાવ્યું હતું. અંકિતા શર્મા નામથી પોતાની જાતને ઓળખાવતી એક પાકિસ્તાની ગુપ્તચર અધિકારી અજયકુમારના સંપર્કમાં હોવાનુ પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રિયા ઠાકુરની નકલી ઓળખ હેઠળ કામ કરતી રશ્મણિ કથિત રીતે તેનાં પાકિસ્તાની હેન્ડલરોના ઇશારે લશ્કરી કર્મચારીઓ સાથે મિત્રતા કરીને તેમની પાસેથી માહિતી મેળવવા માટે કામ કરતી હતી, એમ એટીએસ અધિકારી સિદ્ધાર્થ કોરુકોન્ડાએ જણાવ્યું હતું.
2022 માં નાગાલેન્ડના દિમાપુર શહેરમાં ભારતીય સેનામાં સુબેદાર હતા ત્યારે અંકિતા શર્મા નામની વ્યક્તિએ અજયકુમારનો સંપર્ક કર્યો હતો. સિંહે નિવૃત્તિ પછી ગોવામાં સુરક્ષા ગાર્ડની નોકરી સ્વીકારી હતી. તેમની સાથે મિત્રતા કર્યા પછી અને તેમનો વિશ્વાસ જીત્યા પછી, પાકિસ્તાની એજન્ટે સંવેદનશીલ માહિતી, જેમ કે રેજિમેન્ટની ગતિવિધિઓ અને મુખ્ય આર્મી અધિકારીઓના ટ્રાન્સફરની વિગતોની વિનંતી કરી હતી. પાકિસ્તાની જાસૂસ દ્વારા વિનંતી કર્યા બાદ અજયકુમારે કથિત રીતે ટેક્સ્ટ, ફોટા અને વીડિયોના રૂપમાં માહિતી શેર કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પાડોશી દેશના જાસૂસે અજયકુમારના મોબાઇલ ફોન પર ટ્રોજન માલવેર ફાઇલ પણ મોકલી હતી, જેમાં તેને સેવ અને ઇન્સ્ટોલ કરવાની સૂચના આપવામાં આવી હતી જેથી સંવેદનશીલ માહિતી વૉટ્સ એપ દ્વારા શેર કરવાની જરૂર ન પડે. માલવેર એજન્ટને અજયકુમારના ઉપકરણને દૂરથી ઍક્સેસ કરવાની મંજૂરી આપી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
પાલની પૂછપરછનો ઉલ્લેખ કરતા, અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાએ પૈસા માટે પાકિસ્તાની હેન્ડલર્સ અબ્દુલ સત્તાર અને ખાલિદ માટે કામ કરવા સંમતિ આપી હતી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
અબ્દુલ સત્તાર અને ખાલિદના નિર્દેશ મુજબ મહિલાએ પ્રિયા ઠાકુર નામથી પોતાની નકલી ઓળખ બનાવી અને ગુપ્ત લશ્કરી માહિતી મેળવવા માટે ભારતીય સૈન્ય કર્મચારીઓ સાથે મિત્રતા કેળવવાનું શરૂ કર્યું હતું અને તેની વિગતો સત્તાર અને ખાલિદે શેર કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓના મોબાઇલ ફોનમાંથી આ જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલા પુરાવા, જેમાં આંતરરાષ્ટ્રીય નંબરો પરથી વોટ્સએપ કોલ્સ, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો વગેરેની વિગતો મળી આવી છે.