ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના આજીવન અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરના રોજ સવારે નિધન થયું છે. આ સાથે જ બાંગ્લાદેશની રાજનીતિમાં દાયકાઓથી ચાલતા આવતા 'બેટલ ઓફ ધ બેગમ્સ'નો પણ અંત થયો છે. બાંગ્લાદેશના ઇતિહાસમાં બેગમ ખાલિદા ઝિયાની ઓળખ આર્યન લેડીને ભલે હોય પણ ખાલિદા ઝિયાની રાજનીતિમાં એન્ટ્રી એટલી સરળ નહોતી. એક સમયની ગૃહિણી કઇ રીતે બની આર્યન લેડી? ચાલો જાણીએ આ અહેવાલમાં.
બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીનાની ઓળખ 'બંગબંધુની પુત્રી'ની છે, જ્યારે ખાલિદા ઝિયાને 'આયર્ન લેડી' અથવા 'લોકશાહીની માતા' તરીકે ઓળખવામાં આવે છે. ખાલિદા ઝિયાનો જન્મ 15 ઓગસ્ટ 1945ના રોજ જલપાઈગુડી (તત્કાલીન અવિભાજિત બંગાળ, હવે ભારત) માં થયો હતો. તેમનો પરિવાર પાછળથી દિનાજપુર (બાંગ્લાદેશ) માં સ્થાયી થયો હતો.
કઇ રીતે થઈ રાજનીતિમાં એન્ટ્રી?
1959 માં માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે પાકિસ્તાની સેનાના કેપ્ટન ઝિયાઉર રહેમાન સાથે લગ્ન કર્યા. ઝિયાઉર રહેમાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના નાયક બન્યા અને 1977માં રાષ્ટ્રપતિ પણ બન્યા. ખાલિદા ત્યાં સુધી ગૃહિણી તરીકે જ જીવન જીવતા હતા અને તેમના બે પુત્રો - તારિક અને અરાફાત રહેમાનનો ઉછેર કરી રહ્યા હતા. પરંતુ 30 મે 1981ના રોજ ચટગાંવમાં લશ્કરી બળવાના પ્રયાસમાં ઝિયાઉર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. આ આઘાતે ખાલિદાને રાજકારણમાં આવવા માટે મજબૂર કર્યા.
વિખરાઈ જવા આવેલી પાર્ટીનું નેતૃત્વ કર્યું
પતિની હત્યા બાદ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) વિખેરાઈ જવાની અણી પર હતી. પાર્ટીના કાર્યકરોની વિનંતી પર, ખાલિદાએ 1982માં પાર્ટીનું સભ્યપદ લીધું અને 1984માં તેઓ અધ્યક્ષ બન્યા. તેમણે તત્કાલીન સૈન્ય શાસક હુસૈન મુહમ્મદ ઇર્શાદ વિરુદ્ધ લોકશાહીની પુનઃસ્થાપના માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું. તેમણે ઇર્શાદની સરમુખત્યારશાહી સામે લાંબુ આંદોલન ચલાવ્યું અને ઘણી વખત નજરકેદનો સામનો પણ કર્યો.
1991માં બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા
1990માં ઇર્શાદની સત્તાનું પતન થયું અને 1991ની ચૂંટણીમાં BNPની જીત સાથે ખાલિદા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. તેમનો પ્રથમ કાર્યકાળ આર્થિક સુધારાઓ, નિકાસમાં વધારો અને 'કેરટેકર ગવર્મેન્ટ સિસ્ટમ' લાગુ કરવા માટે યાદ કરવામાં આવે છે. 2001માં તેઓ ફરીથી સત્તામાં પાછા ફર્યા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો અને ઇસ્લામી કટ્ટરપંથીઓ પરની કાર્યવાહી અંગેના વિવાદો પણ તેમના કાર્યકાળનો પડછાયો બની રહ્યા.