અમદાવાદ/નવી દિલ્હીઃ શિયાળાની ઠંડી વચ્ચે માવઠા બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજથી ઠંડીમાં વધારો થશે. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. ઉતરાયણ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહે તેવું અનુમાન છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 2 થી 4 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે અને પવનના તોફાનો આવશે. ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે ગુજરાતમાં ઠંડી આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે, જે ઠંડી લાવશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે. નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. 18 થી 21 જાન્યુઆરી પશ્ચિમિ વિક્ષેપ આવશે, જેનાથી ફરીથી ગુજરાતનું હવામાન પલટાશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધશે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. મુંબઈ સહિત ઉપનગરોમાં નવા વર્ષની શરૂઆતમાં જ હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે અને આંશિક વાદળછાયા વાતાવરણની સાથે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 29 ડિગ્રી અને 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું
પહાડી વિસ્તારોથી લઈને ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારો સુધી કડકડતી ઠંડી પડી રહી છે અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પણ ખોરવાયું છે. અનેક રાજ્યોમાં શીતલહેર અને ધુમ્મસને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું કે એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) પહેલા ઉત્તર પાકિસ્તાન અને આસપાસના અફઘાનિસ્તાનના ભાગોમાં સક્રિય હતું, જે હવે પંજાબ અને તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. તેની અસરથી ઉત્તર ભારતમાં વાદળછાયું વાતાવરણ છે અને અનેક સ્થળોએ વરસાદ અને હિમવર્ષા નોંધાઈ રહી છે.
પૂર્વાનુમાન મુજબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2 અને 3 જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ તથા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી ધુમ્મસ અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઓડિશા, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં અતિ ગાઢ ધુમ્મસની આશંકાને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.