લખનઉ: ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે સ્વાદ અને જ્ઞાતિનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે સમાજવાદી પાર્ટી (સપા)ના મુખ્યાલયમાં યોજાયેલી 'બાટી-ચોખા'ની દાવતે રાજ્યમાં નવા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. આ દાવતને ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહેલા 'બ્રાહ્મણ વિરુદ્ધ સંગઠન'ના વિવાદ પર સીધા કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે આ ભોજન સમારોહ દ્વારા સત્તાધારી પક્ષના નારાજ નેતાઓને સૂચક સંદેશ આપ્યો છે.
બાટી ચોખા આપણી સંસ્કૃતિ
મીડિયા અહેવાલ મુજબ, આ દાવતમાં કાર્યકર્તાઓ અને જનતાને સંબોધતા અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "બાટી-ચોખા આપણા પ્રદેશની સંસ્કૃતિનો હિસ્સો છે, તેને પરસ્પરના ઝઘડા અને રાજકારણમાં બદનામ ન કરવું જોઈએ. સૌએ કોઈ પણ રોકટોક વિના સાથે બેસીને જમવું જોઈએ." રાજકીય પંડિતોનું માનવું છે કે અખિલેશનું આ નિવેદન ભાજપના તે બ્રાહ્મણ ધારાસભ્યોના સમર્થનમાં છે, જેમને તાજેતરમાં આવી જ એક ખાનગી દાવતમાં જવા બદલ પોતાની પાર્ટી તરફથી 'શિસ્તભંગ'ની નોટિસ અને ઠપકો મળ્યો હતો.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદનું મૂળ ભાજપના આંતરિક ઘર્ષણમાં રહેલું છે. થોડા સમય પહેલાં યુપી ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરીએ પૂર્વીય યુપી અને બિહારની પ્રખ્યાત વાનગી 'બાટી-ચોખા'ના બહાને એકઠા થયેલા બ્રાહ્મણ નેતાઓને ચેતવણી આપી હતી, જેને ભાજપે જ્ઞાતિવાદી પ્રવૃત્તિ ગણાવી હતી. જોકે, બ્રજભૂષણ શરણ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓએ પક્ષના આ વલણનો વિરોધ કરતા સવાલ કર્યો હતો કે જ્યારે પક્ષ પોતે જ્ઞાતિ સંમેલનો કરે છે, તો ધારાસભ્યોના સાથે બેસીને જમવા પર વાંધો કેમ હોવો જોઈએ?
'બાટી-ચોખા' પોલિટિક્સ-એક તીરે બે નિશાન
જાણકારોના મતે, અખિલેશ યાદવે 'બાટી-ચોખા' પોલિટિક્સ દ્વારા એક તીરે બે નિશાન સાધ્યા છે. એક તરફ, તેઓ ભાજપ સંગઠનની કડકાઈથી નારાજ બ્રાહ્મણ નેતાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેમને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ, પૂર્વીય યુપીની ઓળખ સમાન આ વાનગી દ્વારા તેઓ પોતાને સામાન્ય જનતાની પરંપરાઓની નજીક અને ભાજપને સામાજિક રિવાજો વિરુદ્ધ કઠોર વલણ અપનાવનાર પક્ષ તરીકે ચીતરવા માંગે છે.