ભારતીય રિઝર્વ બેંકે દેશના ચલણમાંથી ₹2000ના મૂલ્યની નોટો પાછી ખેંચવાની ઝુંબેશમાં મળેલી સફળતા અંગે મહત્વની માહિતી આપી છે. મે 2023માં શરૂ થયેલી આ પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હોય તેમ જણાય છે. RBIના તાજેતરના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં ચલણમાંથી બહાર કરવામાં આવેલી કુલ નોટોમાંથી આશરે 98.41 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. બજારમાં હવે આ ગુલાબી નોટોની હાજરી નહિવત જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે સરકારની આ નીતિનો અમલ સફળતાપૂર્વક થઈ રહ્યો છે.
જ્યારે 19 મે, 2023ના રોજ ₹2000ની નોટ પરત લેવાની જાહેરાત થઈ, ત્યારે બજારમાં આશરે ₹3.56 લાખ કરોડની કિંમતની નોટો ફરતી હતી. જોકે, 31 ડિસેમ્બર, 2025 સુધીના ડેટા મુજબ, હવે માત્ર ₹5,669 કરોડની નોટો જ લોકો પાસે હોવાનું અનુમાન છે. છેલ્લા અઢી વર્ષમાં દેશના નાગરિકો અને વિવિધ સંસ્થાઓએ પોતાની પાસે રહેલી ઉચ્ચ મૂલ્યની કરન્સી સમયસર બેંકોમાં જમા કરાવી છે, જેના કારણે આ આંકડો આટલો નીચો આવ્યો છે.
RBIએ સ્પષ્ટતા કરી છે કે ભલે સામાન્ય બેંકોની શાખાઓમાં હવે આ નોટો સ્વીકારવામાં આવતી નથી, પરંતુ તે હજુ પણ 'લીગત ટેન્ડર' એટલે કે કાયદેસરનું ચલણ છે. જે લોકો પાસે હજુ પણ આ નોટો બાકી છે, તેઓ RBIની દેશભરમાં આવેલી 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને સીધી જમા કરાવી શકે છે. આ ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટ (ટપાલ વિભાગ) દ્વારા પણ કોઈપણ પોસ્ટ ઓફિસથી આ નોટો RBIની ઓફિસમાં મોકલી શકાય છે, ત્યારબાદ તેની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
₹2000ની નોટોને પરત ખેંચવાનો નિર્ણય રિઝર્વ બેંકની 'ક્લીન નોટ પોલિસી'નો એક મહત્વનો ભાગ છે. વર્ષ 2016ની નોટબંધી વખતે ચલણની અછતને પહોંચી વળવા માટે આ ઉચ્ચ મૂલ્યની નોટો દાખલ કરવામાં આવી હતી. નિષ્ણાતોના મતે, આ નોટો પાછી ખેંચવાથી બેંકિંગ સિસ્ટમમાં રોકડની તરલતા વધી છે અને મોટા મૂલ્યની નોટો દ્વારા થતી સંભવિત સંગ્રહખોરી પર પણ અંકુશ આવ્યો છે. હાલમાં RBIએ આ પ્રક્રિયા બંધ કરવાની કોઈ અંતિમ તારીખ જાહેર કરી નથી, જેથી બાકી રહેલી નોટો પણ ધીરે ધીરે પરત આવી શકે.