Mon Dec 08 2025

Logo

White Logo

ગેરવાજબી ભાવબાંધણી : માર્ચ સુધીમાં પશ્ચિમ બંગાળની અડધી જ્યૂટ મિલો બંધ થવાની આઈજેએમએની ચેતવણી

2 days ago
Author: Ramesh Gohil
Video

કોલકાતાઃ કાચા શણની અવ્યવહારુ ભાવબાંધણી કરવામાં આવતા આ ક્ષેત્રમાં ઘેરી કટોકટી પ્રવર્તી રહી હોવાથી ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોશિયેશન (આઈજેએમએ)એ પશ્ચિમ બંગાળ સરકારને તાકીદે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી માર્ચ, 2026 સુધીમાં રાજ્યની અડધી ખાંડ મિલો બંધ થવાની ચેતવણી ઉચ્ચારી છે. 
રાજ્યનાં શ્રમ ખાતાના પ્રધાન મોલોય ઘતકને એસોસિયેશને ગત ત્રીજી ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રાજ્યના શણ ક્ષેત્રમાં સર્જાયેલી કટોકટીને કારણે મિલો સાથે સીધા સંકળાયેલા બે લાખ કામદારોનાં જીવનનિર્વાહ સામે જોખમ ઊભું થયું છે. તેમ જ અંદાજે ઉદ્યોગ સાથે અંદાજે એક લાખ કરતાં વધુ લોકો આડકતરી રીતે સંકળાયેલા છે. 

એસોસિયેશને જણાવ્યું હતું કે જ્યૂટ કમિશનરે ગત 15મી સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરીને ઑક્ટોબર માટે અને ત્યાર બાદ અનિશ્ચિત મુદત માટે 580 ગ્રામ બી-ટ્વિલ બેગ્સના ભાવ સપ્ટેમ્બર 2025ની સપાટીએ યથાવત્‌‍ નિર્ધારિત કર્યા હતા. એસોસિએશને જ્યૂટ કમિશનરની કાર્યાલય દ્વારા ફરજિયાત ભાવ નિર્ધારિત કરવાની પદ્ધતિનો ત્યાગ કરવાનો અને વધતાં ઈનપૂટ ખર્ચ, કાચા શણના ભાવની વધઘટ અને ન્યાયિક નિર્દેશોની અવગણના કરવાનો આક્ષેપ મૂકતા દાવો કર્યો હતો કાચા શણના ભાવ ક્વિન્ટલદીઠ રૂ. 7500 હતા તે વધીને રૂ. 10,000 થયા છે જેના કારણે ખાસ કરીને બી અને સી કક્ષાની મિલો માટે ઉત્પાદન આર્થિક રીતે પોસાણક્ષમ નથી રહ્યું. 

વધુમાં એસોસિયેશને પત્રમાં જણાવ્યું હતું કે આ નોટિફિકેશને કોલકતા હાઈ કોર્ટના નિર્દેશો સાથે પણ સીધો સંઘર્ષ ઊભો કર્યો છે, જેમાં જ્યૂટ કમિશનર ઑફિસે નોટિફાઈ અથવા તો નિર્ધારિત કરવામાં આવેલા ભાવથી કાચા શણની ઉપલબ્ધિતા સુનિશ્ચિત કરવાની આવશ્યકતા આપવાની હોય છે. આ સિવાય એસોસિયેશને ચેતવણી આપી હતી કે ભાવ સ્થિર થવાથી વેતનની ચુકવણી તેમ જ ગ્રાહક ભાવાંક આધારીત ફરજિયાતપણે અપાતા મોંઘવારી ભથ્થાં પર પણ પડી છે. નોંધનીય બાબત એ છે કે ગ્રાહક ભાવાંકમાં 129 પૉઈન્ટનો વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને નવેમ્બરથી જાન્યુઆરી, 2026 સુધીનાં ભથ્થાની ચુકવણી કરવાની હોય છે, પરંતુ ગૂણી અથવા તો બેગ્સના ભાવ ફિક્સ્ડ થઈ ગયા છે, જેમાં વેતન ખર્ચમાં થયેલા વધારાને પણ ગણવામાં નથી આવ્યો. 

વાસ્તવમાં જોઈએ તો ગૂણીના ભાવ ઉત્પાદન ખર્ચની સરખામણીમાં 10થી 12 ટકા ઓછા હોવાથી મિલો નુકસાનીમાં કાર્ય કરી રહી છે અને આર્થિક રીતે મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો ચુકવવો શક્ય ન હોવાનું એસોસિયેશને જણાવતા ઉમેર્યું હતું કે ઘણી મિલોએ ઉત્પાદનમાં કાપ મૂક્યો છે અથવા તો ઉત્પાદન બંધ કર્યું છે. હવે જો તાકીદના ધોરણે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં નહી આવે તો એકાદ મહિનામાં મિલો બંધ થવા લાગશે અને જ્યૂટલક્ષી જિલ્લાઓમાં ગંભીર આર્થિક-સામાજિક પરિણામો જોવા મળશે. આથી ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશને રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે જ્યૂટ કમિશનર ઑફિસ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરેલા નોટિફિકેશનથી સર્ર્જાયેલી કટોકટી નિવારવાનો અનુરોધ કર્યો છે.