Thu Jan 01 2026

Logo

White Logo

નવા વર્ષની ઉજવણીમાં ડ્રગ્સનું સેવન : રોકવા પોલીસની ચાંપતી નજર

2 days ago
Author: Yogesh C Patel
Video

  • પાર્ટીઓ પર નજર રાખવા સ્પેશિયલ ટીમ્સ બનાવાઈ: ડ્રગ્સ મળ્યું તો કડક કાર્યવાહીની ચેતવણી
  • વીતેલા વર્ષમાં 814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત: 1,386 આરોપીની ધરપકડ: ચાર આરોપી પ્રત્યર્પણ દ્વારા ભારત લવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રગ્સનું સેવન કરનારાઓ પર ચાંપતી નજર રાખવા એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી) અને પોલીસ સ્ટેશનોની સ્પેશિયલ ટીમ્સ બનાવવામાં આવી છે. આ ટીમના અધિકારીઓ થર્ટીફર્સ્ટની રાતે થનારી પાર્ટીઓ પર નજર રાખશે અને ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાનું જણાશે તો કડક કાર્યવાહી કરશે. વીતેલા વર્ષમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવનારા ચાર આરોપીને પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં પોલીસને સફળતા મળી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર નવનાથ ઢવળેએ જણાવ્યું હતું કે 2025માં એનડીપીએસ ઍક્ટ હેઠળ 1,096 કેસ નોંધાયા હતા, જેમાં 1,386 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી અંદાજે 814 કરોડ રૂપિયાનું 1,653 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં ડ્રગ્સના સેવન અને તસ્કરી સાથે સંકળાયેલાઓ વિરુદ્ધ મુંબઈ પોલીસની એએનસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ ન થાય તે માટે પોલીસ સ્ટેશન અને એએનસીના અધિકારીઓની અનેક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.

નવા વર્ષની ઉજવણી રંગેચંગે પાર પડે તે માટે પોલીસને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. થર્ટીફર્સ્ટની પાર્ટીઓ પર પોલીસ ખાસ નજર રાખશે. પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું ડીસીપીએ જણાવ્યું હતું.

દરમિયાન ડ્રગ્સના મામલાઓમાં વારંવાર કાર્યવાહી કરવામાં આવ્યા પછી 2025માં બે આરોપીને તડીપાર કરવામાં આવ્યા હતા. વિદેશમાં રહીને ભારતમાં ડ્રગ્સનું રૅકેટ ચલાવનારા ચાર આરોપીને પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યા હોવાની કામગીરીને પોલીસની મોટી સફળતા ગણવામાં આવે છે.

જુલાઈ, 2025ના રોજ મહારાષ્ટ્ર સરકારે ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલી ટોળકીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તે અનુસાર બે ટોળકી સામે એમસીઓસીએ લગાવવામાં આવ્યો હતો અને તેમની વિરુદ્ધ કોર્ટમાં આરોપનામું પણ દાખલ કરાયું હતું.