મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી, વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તથા ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલીનું વ્યાપક દબાણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના ઘટાડા સાથે 89.99ના મથાળે બંધ રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 89.90ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 89.95ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 89.99 અને ઉપરમાં 89.88ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે નવ પૈસા ઘટીને સત્રની નીચી 89.99ની સપાટીએ બંધ રહ્યો હતો.
હાલમાં ટ્રેડરોની નજર આ સપ્તાહમાં જાહેર થનારી અમેરિકી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની તેમ જ અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 89.60થી 90.20 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
આજે વિશ્વ બજારમાં ક્રિસમસની રજાઓના માહોલમાં પાંખાં કામકાજો વચ્ચે ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે સાધારણ 0.02 ટકા વધીને 98.03 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.48 ટકાની તેજી સાથે બેરલદીઠ 61.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અનુક્રમે 345.91 પૉઈન્ટ અને 100.20 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 317.56 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.