Fri Jan 02 2026

Logo

White Logo

Ikkis Movie Review: અન્ય વૉર ફિલ્મની એકદમ અલગ, : મનમાં વિચારોનું યુદ્ધ શરૂ કરી દે છે

4 hours ago
Author: mumbai samachar teem
Video

મુંબઈ: ભારતીય સિનેમામાં જ્યારે પણ યુદ્ધ અને દેશભક્તિની વાત આવે છે, ત્યારે પ્રેક્ષકોના દિલમાં એક અલગ જ જોશ જોવા મળે છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના તે વીર નાયક, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, જેમણે માત્ર 21 વર્ષની વયે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, તેમની બહાદુરી પરથી ડિરેક્ટર શ્રીરામ રાઘવને ફિલ્મ 'ઈક્કીસ' (Ikkis) બનાવી છે. આ ફિલ્મ માત્ર એક યુદ્ધની વાર્તા નથી, પરંતુ તે એક એવા યુવાનની સફર છે જેણે લોહીમાં વહેતી સૈન્ય પરંપરાને સાર્થક કરી બતાવી. સૌથી નાની ઉંમરે પરમવીર ચક્ર મેળવનાર આ વીરની સ્ટોરી હવે એક નવા દ્રષ્ટિકોણ સાથે લોકો સામે પીરસવામાં આવી છે.

ફિલ્મની સ્ટોરી બે ભાગમાં વહેંચાયેલી છે. એક તરફ 1971નું ભયાનક 'બસંતરનું યુદ્ધ' છે, જ્યાં અરુણ ખેતરપાલ પોતાની ટેન્ક સળગતી હોવા છતાં પીછેહઠ કરવાનો ઇનકાર કરે છે અને દુશ્મનોના છક્કા છોડાવી દે છે. બીજી તરફ, વાર્તામાં વર્ષ 2001નો એક અત્યંત ભાવુક પ્રસંગ વણાયેલો છે, જેમાં અરુણના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાલ પાકિસ્તાન જાય છે. ત્યાં તેમની મુલાકાત પાકિસ્તાની બ્રિગેડિયર નિસાર સાથે થાય છે, જે યુદ્ધના મેદાનમાં અરુણની સામે લડ્યો હતો. એક પિતા જ્યારે એ વ્યક્તિના મોઢે પોતાના દીકરાની હિમત અન બહાદુરીની વાતો સાંભળે છે. તે દ્રશ્ય ફિલ્મનો સૌથી ભાવુક ભાગ હતો છે.

શ્રીરામ રાઘવન પોતાની અલગ પ્રકારની મેકિંગ સ્ટાઈલ માટે જાણીતા છે. 'ઈક્કીસ'માં પણ તેમણે પરંપરાગત વોર ફિલ્મો જેવી બૂમો કે વધુ પડતી મેલોડ્રામા રાખવાને બદલે વાર્તાને ખૂબ જ વાસ્તવિક (Realistic) રાખી છે. અરુણના સૈન્ય તાલીમ દિવસો, તેની શિસ્ત, યુવાનીની નિર્દોષ ક્ષણો અને લક્ષ્ય પ્રત્યેની તેની ગંભીરતાને ખૂબ જ ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવી છે. જોકે, ફિલ્મની ટ્રીટમેન્ટ થોડી 'ડ્રાય' અને ઠંડી લાગે તેવી છે. વાર્તામાં લેખકોએ જે સાદગી રાખી છે, તેના કારણે જે 'સિનેમેટિક ઉત્સાહ' પ્રેક્ષકો અપેક્ષા રાખતા હોય છે, તે ક્યાંક ઓછો જણાય છે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર ભારત-પાક વચ્ચેના સંઘર્ષને જ નથી બતાવતી, પરંતુ યુદ્ધની નિરર્થકતા પર પણ પ્રહાર કરે છે. બંને દેશોની સમાન સંસ્કૃતિ અને વર્ષો જૂના સંબંધોને બ્રિગેડિયર નિસાર અને બ્રિગેડિયર ખેતરપાલના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટરે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે સરહદની બંને બાજુએ માણસો જ છે અને યુદ્ધ અંતે તો વિનાશ જ લાવે છે. આ એક એવો વિષય છે જે વર્તમાન સમયમાં ખૂબ જ વિવાદાસ્પદ પણ હોઈ શકે છે, પરંતુ ફિલ્મ તેને ગરિમા સાથે રજૂ કરે છે.

'ઈક્કીસ' એક પ્રામાણિક બાયોપિક છે, પરંતુ તેની 'ફ્લેટ' રજૂઆત દરેક વર્ગના પ્રેક્ષકોને કદાચ ન ગમે. ફિલ્મમાં કેટલીક એવી ઘટનાઓ છે જે મૂળ વાર્તા સાથે જોડાતી નથી, જેના કારણે ક્યાંક કંટાળાનો અનુભવ થઈ શકે છે. જો તમે એક્શનથી ભરપૂર અને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા માંગતા હોવ તો આ ફિલ્મ તમને કદાચ થોડી નિરાશ કરી શકે છે. પરંતુ જો તમે ઈતિહાસના એક સાચા હીરોની ગરિમાપૂર્ણ અને વાસ્તવિક ગાથા જોવા માંગતા હોવ, તો આ ફિલ્મ ચોક્કસપણે એકવાર જોવા જેવી છે.