અહિલ્યાનગર: પુણેમાં 2012માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી બંટી જહાંગીરદારની અહિલ્યાનગરમાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
પકડાયેલા બન્નેની ઓળખ રવીન્દ્ર નિકાળજે (23) અને કૃષ્ણ શિંગારે (23) તરીકે થઈ હતી. જહાંગીરદારની હત્યામાં બન્નેની સંડોવણી સામે આવી હતી. જહાંગીરની કોઈની સાથે રાજકીય અદાવત હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ શ્રીરામપુરમાં બોરવકે કૉલેજ રોડ પરથી બુધવારે જહાંગીરદાર દફનવિધિમાંથી એક સગા સાથે સ્કૂટર પર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાઈક પર આવેલા બે જણ પિસ્તોલમાંથી ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા.
આ હુમલામાં જહાંગીરદારને બે ગોળી વાગી હતી. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં મોડી સાંજે તેનું મૃત્યુ થયું હતું. પુણેના જંગલી મહારાજ રોડ પર થયેલા શ્રેણિબદ્ધ બૉમ્બ ધડાકા કેસમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) જહાંગીરદારની ધરપકડ કરી હતી. પહેલી ઑગસ્ટ, 2012ના રોજ પુણેના ભીડવાળા માર્ગ પર ઓછી તીવ્રતાવાળા ચાર ધડાકા થયા હતા. બાળગાંધર્વ થિયેટર, દેના બૅન્કની શાખા, મેક્ડોનલ્ડ્સ આઉટલેટ અને ગરવારે બ્રિજ નજીક આ બ્લાસ્ટ થયા હતા.
જહાંગીરદાર વિરુદ્ધ અહિલ્યાનગરમાં હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે. બૉમ્બ બ્લાસ્ટ કેસમાં તે 2023માં જ જામીન પર છૂટ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)