Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતની કઈ 12 હોસ્પિટલોમાં દર્દીઓનાં : સગાં માટે રેસ્ટ રૂમ બંધાશે ?

3 weeks ago
Author: MayurKumar Patel
Video

ગાંધીનગરઃ ગુજરાતની 12 હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાં માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, લાંબા અંતરેથી સારવાર માટે સિવિલ અને જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓને રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ નિર્ણયને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે ગાંધીનગરમાં મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠક દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે, રાજ્ય સરકારે અમદાવાદ સ્થિત સેવાદાન ફાઉન્ડેશનને આ આરામગૃહોના બાંધકામ માટે જમીન લીઝ પર આપવાની મંજૂરી આપી છે, જેને 'રેન બસેરા' અથવા 'વિશ્રામ ગૃહ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

કઈ કઈ જગ્યાએ બનશે રેસ્ટ રૂમ

વાઘાણીએ જણાવ્યું હતું કે દૂર-દૂરના ગામડાઓમાંથી સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા નાગરિકોને શહેરોમાં સસ્તું રહેઠાણ અને ભોજનની સુવિધાઓના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે, આ બાબતની ગંભીર નોંધ લઈને, મુખ્ય પ્રધાને સંવેદનશીલ અને જન-કેન્દ્રીય અભિગમ અપનાવીને દર્દીઓના સગાં-સંબંધીઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તેવો નિર્ણય લીધો હતો. 

રેસ્ટ રૂમમાં શું સુવિધાઓ હશે

આ રેસ્ટ રૂમ પોરબંદર, ગોધરા, મોરબી (GMERS), લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળિયા, આણંદ, બોટાદ અને મોડાસાની સરકારી હોસ્પિટલોમાં તેમજ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલમાં બનાવવામાં આવશે.

સરકારના જણાવ્યા મુજબ, આ સુવિધાઓમાં સ્વચ્છ અને આરામદાયક ઓરડાઓ, સ્વચ્છ ભોજન અને પીવાનું પાણી સામેલ હશે. આ પહેલનો હેતુ લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતાં આર્થિક રીતે નબળા વર્ગના અને દૂરના વિસ્તારોના પરિવારોને મદદ કરવાનો છે.