Fri Jan 02 2026

Logo

White Logo

ભારતીય ક્રિકેટરો સપ્ટેમ્બરમાં આવશે એવી બાંગ્લાદેશે કરી જાહેરાત, : પણ બીસીસીઆઇ...

dhaka   2 hours ago
Author: Ajay Motiwala
Video

ઢાકાઃ ભારતીય ક્રિકેટરો આ વર્ષે સપ્ટેમ્બરમાં વન-ડે અને ટી-20 સિરીઝ રમવા બાંગ્લાદેશના પ્રવાસે આવશે એવી જાહેરાત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તરફથી શુક્રવારે થઈ હતી, પણ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) આ ભારત-વિરોધી દેશની ટૂર પર ખેલાડીઓને મોકલશે કેમ એમાં શંકા છે. બીજી રીતે કહીએ તો બીસીસીઆઇ આ પ્રવાસ બાબતમાં સંમત થશે કે કેમ એમાં શંકા છે.

બાંગ્લાદેશમાં ભારતીય ખેલાડીઓની એ બે શ્રેણી 2025માં યોજાવાની હતી, પણ બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યા હોવાથી બીસીસીઆઇએ એ સિરીઝો મોકૂફ રખાવી હતી. હવે બીસીબી દ્વારા 2026ના વર્ષ માટેનું શેડ્યૂલ (Schedule) જાહેર કરવામાં આવ્યું છે, પણ એ પણ નિરર્થક છે એવું કહી શકાય.

બીસીબીએ જાહેર કરેલા 2026ના ક્રિકેટ-શેડ્યૂલ અનુસાર બાંગ્લાદેશમાં પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા ઉપરાંત ભારત સામે પણ સિરીઝો રમાશે એવું જણાવવામાં આવ્યું છે. હાલમાં મળેલી જાણકારી મુજબ બાંગ્લાદેશમાં ભારતની ત્રણ વન-ડેની અને ત્રણ ટી-20ની સિરીઝ રમાવાની છે.

બીસીબીએ સમયપત્રક જાહેર કરી દીધું છે, પણ બીસીસીઆઇએ ભારત-પ્રવાસ વિશે ન તો કોઈ પુષ્ટિ આપી છે અને ન કોઈ શેડ્યૂલ જાહેર કર્યું છે. બીસીબીની જાહેરાત મુજબ ભારતીય ખેલાડીઓ ઑગસ્ટ, 2026ના અંતમાં બાંગ્લાદેશનો પ્રવાસ શરૂ કરશે અને પહેલી સપ્ટેમ્બરે શ્રેણીની પ્રથમ વન-ડે રમાશે. ટી-20 શ્રેણીની પ્રથમ મૅચ નવમી સપ્ટેમ્બરે નિર્ધારિત છે.

બાંગ્લાદેશમાં ભારતની છેલ્લી ટેસ્ટ શ્રેણી 2022માં રમાઈ હતી જે ભારતે 2-0થી જીતી હતી, છેલ્લી વન-ડે સિરીઝ 2022માં રમાઈ હતી જે બાંગ્લાદેશે 2-1થી જીતી હતી. બાંગ્લાદેશની ધરતી પર ભારતીયો એકેય ટી-20 સિરીઝ નથી રમ્યા.