મુંબઈઃ વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ અને દર વર્ષે અસંખ્ય ક્રિકેટરોને કરોડો રૂપિયા કમાવી આપતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ગયા વર્ષે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશના પણ તમામ ક્રિકેટરોના પ્રવેશ પર પ્રતિબંધ હતો, પણ આ વખતે (2026ની સીઝનમાં) એ બૅન ન હોવાથી શાહરુખ ખાન તથા જૂહી-જય મહેતાની માલિકીની કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને ખરીદી લેવાનો મોકો ઝડપી લીધો, પરંતુ તેમના આ નિર્ણય સામે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે જેનું એક કારણ એ છે કે મુસ્તફિઝુર હાલમાં પોતાના દેશમાં જે ટીમ વતી રમી રહ્યો છે એ ટીમના મુખ્ય વિસ્તાર રંગપુરમાં હિન્દુઓ પર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે.
30 વર્ષનો લેફ્ટ-આર્મ પેસ બોલર મુસ્તફિઝુર હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં રંગપુર રાઇડર્સ ટીમ વતી રમે છે. આ અઠવાડિયે બીપીએલમાં રંગપુર રાઇડર્સની બે મૅચ રમાઈ જેમાંથી એકમાં એનો વિજય થયો હતો. એ મૅચમાં રંગપુરને વિજય અપાવનારાઓમાં મુસ્તફિઝુર (19 રનમાં બે વિકેટ)નો પણ સમાવેશ હતો. મુસ્તફિઝુર આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કૅપિટલ્સ, રાજસ્થાન રૉયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વતી પણ રમી ચૂક્યો છે.
અહીં આપણે ખાસ તો મુસ્તફિઝુરની સૌથી ફેવરિટ રંગપુર રાઇડર્સ (Rangpur Riders) ટીમ અને રંગપુર વિસ્તાર વિશે જાણવાનું છે. રંગપુર રાઇડર્સ મુખ્યત્વે જે વિસ્તારની છે એ રંગપુરમાં ગયા મહિને 75 વર્ષના હિન્દુ રહેવાસી જોગેશ ચંદ્ર રૉય અને તેમના પત્ની સુબોર્ણા રૉયની નિર્મમ હત્યા કરાઈ હતી. એક રવિવારની સવારે પાડોશીઓએ તેમનો દરવાજો ઘણી વાર સુધી ખટખટાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન મળતાં દંપતીના બન્ને પોલીસ-પુત્રોને બોલાવવામાં આવ્યા હતા જેમણે દરવાજો તોડતાં અંદરથી તેમના માતા-પિતા ગળું કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. રંગપુરમાં ઘણા સમયથી હિન્દુઓ પર અત્યાચાર થાય છે.
મુસ્તફિઝુર (MUSTAFIZUR) જે ટીમ (રંગપુર રાઇડર્સ)નું પ્રતિનિધિત્વ કરે છે એ ટીમની માલિકી ટૉગી સ્પોર્ટ્સ નામની કંપની પાસે છે. આ ટીમમાં રકિબુલ હસન, તૌહિદ રિદૉય, ડેવિડ મલાન, લિટન દાસ અને મહમુદુલ્લા જેવા જાણીતા ખેલાડીઓ પણ છે અને નુરુલ હસન ટીમનો સુકાની તથા મિકી આર્થર ટીમના કોચ છે.