વડોદરા: ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ ત્રણ ODI અને પાંચ T20Iની સિરીઝ રમવા ભારત આવી રહી છે. ODI સિરીઝની પહેલી મેચ વડોદરાના કોટમ્બીમાં આવેલા બરોડા ક્રિકેટ એસોસિએશન(BCA) સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીના રોજ રમાવાની. ODI સિરીઝ માટે હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી, આ ટીમમાં બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા હશેએ નક્કી છે, ત્યારે ગુજરાતના ક્રિકેટ ચાહકો તેમને રમતા જોવાનો મોકો છોડવા ઇચ્છતા નથી.
વડોદરામાં 11 જાન્યુઆરીના રોજ યોજનારી ODI મેચ માટેની તમામ ટિકિટ વેચાણ શરુ થયાના માત્ર 8 મિનીટમાં જ વેચાઈ ગઈ, જે દર્શાવે છે કે દર્શકો વિરાટ અને રોહિતને રમતા જોવા આતુર છે. બંને છેલ્લી આ મેદાન પર આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. BCA સ્ટેડિયમની ક્ષમતા 35,000 દર્શકોની છે.
બંને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં:
નોંધનીય છે કે વિરાટ અને રોહિત બંને T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે, હવે બંને માત્ર 50 ઓવરના ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે, બંને ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 સુધી રમવાનો ઈરાદો ધરાવે છે.
ICC મેન્સ ODI બેટિંગ રેન્કિંગમાં રોહિત હાલમાં ટોચના સ્થાને છે અને કોહલી બીજા નંબર પર છે. તાજેતરમાં ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ODI સિરીઝમાં બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને દિગ્ગજ ખેલાડીઓ હાલ રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીની કેટલીક મેચોમાં રમતા જોવા મળ્યા હતાં, જેમાં પણ બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું. દર્શકોને આશા છે કે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ બંને આ ફોર્મ સાથે જ રમે.