તિરુવનન્તપુરમઃ શુક્રવારે ભારતની મહિલા ટીમે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં 40 બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. શેફાલી વર્મા (79 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) આ મૅચની સુપરસ્ટાર બૅટર હતી. ભારતે પાંચ મૅચની સિરીઝમાં 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. 21 રનમાં શ્રીલંકાની ચાર વિકેટ લેનાર પેસ બોલર રેણુકા સિંહ ઠાકુરને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
દીપ્તિ શર્માએ ટી-20 વિમેન્સ ઇન્ટરનેશનલમાં સૌથી વધુ કુલ 151 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાની મેગન શટની બરાબરી કરી છે.
ભારતને માત્ર 113 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે 13.2 ઓવરમાં બે વિકેટે 115 રનના સ્કોર સાથે શાનથી જીત મેળવી હતી.
ભારત (India)ના પહેલા 47માંથી 44 રન ઓપનર શેફાલી વર્માના હતા જે તેણે 20 બૉલમાં બે છગ્ગા અને સાત ચોક્કાની મદદથી બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના ફક્ત એક રન કરીને અને જેમિમા રૉડ્રિગ્સ નવ રન કરીને આઉટ થઈ ગઈ હતી. જોકે હરમનપ્રીતે (21 અણનમ) છેક સુધી શેફાલી (Shafali)ને સાથ આપ્યો હતો અને તેમણે ભારતીય ટીમની નૌકા પાર પાડી હતી.
એ પહેલાં, શ્રીલંકાની ટીમને 20 ઓવરમાં 7/112 સુધી સીમિત રખાવવામાં પેસ બોલર રેણુકા ઠાકુર (ચાર વિકેટ) અને સ્પિનર દીપ્તિ શર્મા (ત્રણ વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. ભારતે પ્રથમ ટી-20 આઠ વિકેટે અને બીજી મૅચ સાત વિકેટે જીતી લીધી હતી.