હેમુ ભીખુ
ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. એક જગ્યાએ શ્રીકૃષ્ણ અર્જુનને એમ પણ કહે છે કે હું સત પણ છું અને અસત પણ છું. આ સમજવામાં મુશ્કેલ જણાય તેવી વાત છે. પરંતુ વાસ્તવમાં તેમ નથી.
જો ઈશ્વર સત્ય હોય તો અસત્યનો સમાવેશ ઈશ્વરમાં ન થાય. એમ પણ કહી શકાય કે સત્યનું સર્જન ઈશ્વરે કર્યું હોય, અસત્યનું નહીં. જો આમ જ હોય તો પણ એક પ્રશ્ન ઊભો થાય - તો પછી અસત્યનું સર્જન કોણે કર્યું. સત્યનો સર્જક ઈશ્વર તો અસત્યનો સર્જક કોણ. અને આ ‘કોણ’ શું ઈશ્વર જેટલો જ શક્તિમાન હોય કે નહીં.
જો અસત્યનો સમાવેશ ઈશ્વરના અસ્તિત્વમાં ન થાય તો ઈશ્વર સિવાયનું એક અન્ય અસ્તિત્વ સ્વીકારવું પડે. આ એક જટિલ પરિસ્થિતિ થાય. શાસ્ત્ર તથા વેદના ઘણાં સિદ્ધાંત અહીં ખોટાં પડે. સનાતની સંસ્કૃતિ માટે આ સ્વીકાર્ય નથી. તેથી જ ગીતાનું આ કથન અંતિમ કથન છે તેમ માનવું પડે. ગીતા આમ પણ સ્વયં ઈશ્વરના મુખેથી ઉચ્ચારાયેલ ‘તથ્ય’ છે. ઈશ્વર સત્ય પણ છે અને અસત્ય પણ. ઈશ્વર સત્ય નથી અને અસત્ય પણ નથી.
વાસ્તવમાં સત્ય અને અસત્ય એ સંદર્ભિક ઘટના છે. સંપૂર્ણતામાં, સાપેક્ષતાના વર્તુળમાંથી બહાર નીકળીને જોતાં જણાશે કે સત્ય અને અસત્ય એ જે તે પરિપ્રેક્ષ્યમાં નિર્ધારિત થતી બાબત છે. આજે ગુરુવાર છે એ વાત ગુરુવાર હોય ત્યાં સુધી જ તે સત્ય. પૃથ્વી ગોળ ફરે છે તે વાત જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ હોય અને તે ગોળ ફરતી હોય ત્યાં સુધી જ તે સત્ય. સંદર્ભના માળખામાંથી બહાર નીકળતા બધું જ એકાકાર થઈ જાય. પછી ન રહે સમય, ન રહે ગુરુવાર, ન રહે પૃથ્વી કે ન રહે તેનું ભ્રમણ.
સૃષ્ટિની શરૂઆતમાં જે હતું એને સત્ય પણ ન કહેવાય અને અસત્ય પણ ન કહેવાય. માત્ર તેનું અસ્તિત્વ હતું. માત્ર તેનું હોવાપણું મહત્ત્વનું છે. તેનાં સંકલ્પથી જે વિવિધ પરિસ્થિતિ ઉદ્ભવી તેમાં વિવિધતા આવતી ગઈ. ક્યાંક વિવિધ પ્રકારના દ્વન્દ્વ પણ ઉદ્ભવ્યા. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ એક તબક્કે સત્ય અને અસત્યની ધારણા સ્થાપિત થઈ હશે. આ સત્ય એટલે પરિસ્થિતિનું યથાર્થ નિરૂપણ.
આ સત્ય એટલે અહંકાર તથા સ્વાર્થની બાદબાકી પછી કરવામાં આવેલ અભિવ્યક્તિ. આ સત્ય એટલે સૃષ્ટિના નિયમોનો સ્વીકાર. આ સત્ય એટલે આધ્યાત્મના માર્ગ પર આગળ વધવા માટે જરૂરી ગણાતી ચિત્ત-શુદ્ધિ માટેનું અગત્યનું સાધન. આ સત્ય એટલે શુદ્ધ, સાત્ત્વિક, નિર્દોષ, પવિત્ર ભાવ. આ સત્ય એટલે ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધાને આશરે વ્યક્ત થતું કથન.
સૃષ્ટિ વિવિધ પરિબળોના સમન્વય સમાન છે. અહીં અંધકારનું પણ મહત્ત્વ છે અને પ્રકાશનું પણ. અહીં રાત્રિ પણ જરૂરી છે અને દિવસ પણ. અહીં જન્મ પણ સ્વાભાવિક છે અને મૃત્યુ પણ. સર્જન અને પ્રલય એ બંનેનું અહીં સમાન મહત્ત્વ છે. અહીં પરાજય અને વિજય એક સાથે અસ્તિત્વમાં આવે છે. અહીં દાનવીર દાન ત્યારે જ કરી શકે છે જ્યારે કોઈ યાચક હોય, તેથી યાચક અને દાનવીર બંને સૃષ્ટિમાં જરૂરી છે. દર્શક વિના દર્શનનું મહત્ત્વ નથી, દર્શન વિના દર્શકની કાર્ય સિદ્ધિ શક્ય નથી, અને દૃશ્ય આ સમગ્ર પ્રક્રિયામાં એટલું જ મહત્ત્વનું છે. અહીં સત્ય અને અસત્ય, બંને પોતપોતાનાં ક્ષેત્રમાં કાર્યરત હોય છે.
સૃષ્ટિના દરેક તત્ત્વ સાથે એક કાર્ય જોડાયેલું હોય છે. કોઈપણ તત્ત્વ અર્થ વિના અસ્તિત્વમાં નથી આવ્યું. અહીં બધું યથાર્થ છે. અહીં બધું નિયમબદ્ધ છે. સૃષ્ટિના દરેક અસ્તિત્વ પાછળ કાર્ય-કારણનો સંબંધ છે. અહીં ‘કારણ’ને કારણે કાર્ય અસ્તિત્વમાં આવે છે અને તે કારણ પાછળ આગળ સંપન્ન થયેલું કોઈ કાર્ય હોય છે. અહીં અસત્યના અસ્તિત્વ માટે પણ કોઈક હેતુ હોય જેમ સત્યના અસ્તિત્વ માટે હોય. આ સત્ય અને અસત્ય વચ્ચેના ચોક્કસ પ્રકારના સમીકરણથી સૃષ્ટિનું સ્વરૂપ નિર્ધારિત થાય છે. સૃષ્ટિનું સ્વરૂપ જળવાઈ રહે તે માટે આ બંને વચ્ચે સંતુલન જરૂરી છે.
દેવ હોય કે દાનવ, સુગંધ હોય કે દુર્ગંધ, સત્ય હોય કે અસત્ય, દિવસ હોય કે રાત્રી, ગરમી હોય કે ઠંડી, સુખ હોય કે દુ:ખ, વર્તમાન હોય કે અ-વર્તમાન, નિંદા હોય કે સ્તુતિ, સુર હોય કે અસુર, અનંત હોય કે શૂન્ય, વિશાળ હોય કે સૂક્ષ્મ, વાસ્તવિક હોય કે કાલ્પનિક, વિયોગ હોય કે સંયોગ, દરેક પરિસ્થિતિનું મહત્ત્વ વિરોધીના અસ્તિત્વને કારણે સમજમાં આવે છે - સ્થાપિત થાય છે.
જન્મનું મહત્ત્વ મૃત્યુને કારણે જ સમજી શકાય છે. આ પ્રત્યેક વિરોધી જણાતાં અસ્તિત્વમાંથી કોઈ એકનું પ્રભુત્વ વધે તો સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જવાની સંભાવના ઊભી થાય. તેવાં સમયે ફરીથી સંતુલન સ્થાપવા માટે ઈશ્વરે અવતાર ધારણ કરવો પડે. વારંવાર અવતારની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે, શક્ય હોય ત્યાં સુધી સૃષ્ટિ જાતે જ સંતુલનની સ્થાપના કરી દેવા સમર્થ છે.
સૃષ્ટિના અસ્તિત્વમાં માયાનું પણ મહત્ત્વ છે અને ચૈતન્યનું પણ. અહીં જેટલું મહત્ત્વ પ્રકૃતિનું છે તેટલું જ મહત્ત્વ પુરુષનું છે. પ્રકૃતિ અને પુરુષના સંતુલનથી આ સૃષ્ટિ સંતુલિત રહી છે. કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન ત્યારે જ રહી શકે કે જ્યારે બંને તરફ સમાન ‘વજન’ હોય. પ્રશ્ન એ થાય કે સત્ય અને અસત્ય વચ્ચે સમાન ‘વજન’ હોવાની સંભાવના કળિયુગમાં તો જણાતી નથી. આનો જવાબ સીધો સાદો છે. એક સત્ય અનેક અસત્યના પ્રભાવ કરતાં વધુ પ્રભાવ છોડવા સમર્થ હોય છે.