બોલિવૂડના 'દબંગ' અને લાખો ચાહકોના પ્રિય 'ભાઈજાન' સલમાન ખાને આજે પોતાનો 60મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. દર વર્ષની જેમ આ વખતે પણ સલમાને મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટને બદલે પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર આ ખાસ દિવસની ઉજવણી કરવાનું પસંદ કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાન પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે આનંદ માણતા જોવા મળે છે.
જન્મદિવસની પાર્ટીમાં સમગ્ર ખાન પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. ખાસ કરીને અરબાઝ ખાન અને શૂરા ખાન તેમની નાની પુત્રી સિપારા સાથે પહોંચ્યા હતા, જ્યાં તેઓ પોતાની લાડલીનો ચહેરો છુપાવતા કેમેરામાં કેદ થયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી ઇનસાઇડ તસવીરોમાં સલમાન ખાન પિતા સલીમ ખાન અને હેલન સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે અને સલમાન પર પ્રેમ વરસાવી રહ્યા છે.
સલમાન ખાનના વર્ષો જૂના અને વિશ્વાસુ બોડીગાર્ડ શેરાએ પણ આ અવસરે એક પોસ્ટ શેર કરી છે. શેરાએ સલમાન સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, "હેપ્પી 60th બર્થડે મારા માલિક! હું અનેક ઉતાર-ચઢાવમાં તમારી સાથે રહ્યો છું, પરંતુ તમારી સ્ટાઈલ અને પડકારોનો સામનો કરવાની હિંમત ક્યારેય બદલાઈ નથી. તમે માત્ર એક સ્ટાર નથી, પણ સૌથી મોટા સુપરસ્ટાર છો." શેરાની આ પોસ્ટ ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના 60માં જન્મદિવસ પર માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ રમતગમત જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. પનવેલ ફાર્મહાઉસ પર એમ.એસ. ધોની અને સંજય દત્ત જેવા દિગ્ગજોએ પણ હાજરી આપીને ભાઈજાનને શુભકામનાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પર સવારથી જ #SalmanKhanBirthday ટ્રેન્ડ થઈ રહ્યું છે