નવી દિલ્હી: અમેરિકામાં ડૉનાલ્ડ ટ્રમ્પની સરકાર આવ્યા બાદ ઘણા ફેરફાર થયા છે. ડૉનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે ઘણા ભારતીયોને દેશનિકાલ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે ભારતીયોમાં રોષ ફેલાયો હતો. પરંતુ અમેરિકા કરતાં એક મુસ્લિમ દેશે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ભારતીયોને દેશનિકાલ કર્યા છે.
ગલ્ફ દેશે સૌથી વધુ ભારતીયોને દેશનિકાલ કર્યા
તાજેતરમાં રાજ્યસભામાં વિદેશ મંત્રાલય (MEA) દ્વારા વિદેશ રાજ્ય મંત્રી શ્રી રીતિ વર્ધન સિંહે ભારતીયોને દેશનિકાલ કરનાર દેશોના આંકડા આપ્યા છે. આ આંકડાઓ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સાઉદી અરેબિયાએ સૌથી વધારે ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે. ગલ્ફ દેશોની તુલનામાં અમેરિકાએ સૌથી ઓછા ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે. જેના આંકડા નીચેના કોષ્ટકમાં આપવામાં આવ્યા છે.
ભારતીયોના દેશનિકાલ થવા પાછળ ગેરકાયદેસર સરહદ ઓળંગવા સિવાય બીજા કારણો વધુ જવાબદાર છે. જેમાં વિઝાની મુદત પૂરી થયા પછી પણ દેશમાં રોકાઈ જવું, માન્ય વર્ક પરમિટ વિના કામ કરવું, એમ્પ્લોયર પાસેથી ભાગી જવું અથવા સ્થાનિક નિયમોનું પાલન ન કરવું જેવા કારણોનો સમાવેશ થાય છે.
ગેરકાયદેસર સ્થળાંતર રોકવા સરકારના પગલાં
ભારત સરકાર વિદેશમાં વસતા નાગરિકોની સુરક્ષા માટે કેટલાક મહત્ત્વના પગલાં લીધા છે. જેમાં e-Migrate પોર્ટલ પર ઓક્ટોબર 2025 સુધીમાં 3,505 થી વધુ માન્ય રિક્રુટમેન્ટ એજન્ટોની નોંધણી કરવામાં આવી છે. છેતરપિંડી કરતા એજન્ટોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. નકલી જોબ રેકેટને લઈને નાગરિકોને અવારનવાર ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) 24x7 કલાક સુધી નાગરિકોની મદદ માટે તત્પર રહે છે.