અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ પરિસ્થિતિ પાછળ આર્થિક નિષ્ણાતો ભારતની વેપાર ખાધ (Trade Deficit)ને જવાબદાર ગણાવી રહ્યા છે. જ્યાં દેશ નિકાસ કરતાં વધુ માલ આયાત કરે છે. આના પરિણામે ભારતીય બજારમાંથી ડૉલરનો પ્રવાહ બહારની તરફ વધે છે, જેનાથી ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit - CAD) વધે છે. જોકે, આ વખતે રૂપિયાનું મૂલ્ય ગગડવાનું એક ગંભીર કારણ સામે આવ્યું છે. આ કારણ ભારતમાં આવતા ચોખ્ખા વિદેશી રોકાણમાં (Net Foreign Investment) થયેલો નોંધપાત્ર ઘટાડો છે.
ચોખ્ખું વિદેશી રોકાણ શૂન્યની નજીક પહોંચ્યું
સામાન્ય રીતે, વેપાર ખાધને સંતુલિત કરવા માટે બે પ્રકારનું વિદેશી રોકાણ (મૂડી ખાતું) નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જેમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI)નો સમાવેશ થાય છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)એ વિદેશી કંપનીઓ દ્વારા ફેક્ટરીઓ અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં કરાતું રોકાણ છે. જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI)એ વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં મૂકવામાં આવેલા નાણાં છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ બંને પ્રકારના રોકાણમાંથી આવતા નાણાં CADને બેલેન્સ કરવામાં મદદ કરતા હતા. પરંતુ તાજેતરના ડેટા દર્શાવે છે કે 2021-22થી, ચોખ્ખું વિદેશી રોકાણ ઘટીને લગભગ શૂન્યની નજીક પહોંચી ગયું છે. જેથી રૂપિયા પરનું દબાણ વધી ગયું છે, કારણ કે વેપાર ખાધ સામે રક્ષણ આપતો મોટો ટેકો ગાયબ થઈ ગયો છે. વિદેશી રોકાણકારો FDI દ્વારા ભારતમાં રોકાણ કરવામાં વધુ સાવચેતી રાખી રહ્યા છે. કારણ કે FDI લાંબા ગાળા માટેના આર્થિક વિશ્વાસનું સૂચક છે.
જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં કુલ FPI આઉટફ્લો 17.8 બિલિયન ડૉલર રહ્યો હતો. FPIs ભારતીય ઇક્વિટી/બોન્ડ વેચી રહ્યા છે અને યુએસમાં વધુ વ્યાજદરનો લાભ લેવા માટે (higher US yields) ભારતીય રૂપિયાને ડૉલરમાં રૂપાંતરિત કરી રહ્યા છે. આ વલણ ગ્લોબલ રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ (global risk-off sentiment) દ્વારા પ્રેરિત છે. 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખું FDI ઇનફ્લો 5.7 બિલિયન ડૉલર હતો. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે FDI ધીમું પડ્યું છે. જોકે, તે FPI કરતાં વધુ સ્થિર છે, પરંતુ તે ડોલરના આઉટફ્લોને બેલેન્સ કરવા માટે અપૂરતું છે.
ભારતીય નાણા દેશમાંથી બહાર જઈ રહ્યા છે
જોકે, હાલના નાણાકીય વર્ષમાં, ભારતીય કંપનીઓ વિદેશમાં નાણાંનું વધારે રોકાણ કરી રહી છે. આ રોકાણ વિદેશી કંપનીઓના ભારતમાં રોકાણ કરતાં પણ વધારે છે. આ વલણ 'સ્વદેશી'ની વિચારધારાથી વિપરીત છે, કારણ કે ભારતીય નાણાં દેશમાંથી બહાર જઈ રહ્યા છે. જ્યારે ભારતમાંથી વધુ નાણાં વિદેશ જાય છે, ત્યારે ડોલરની માંગ વધે છે અને રૂપિયો સ્વાભાવિક રીતે નબળો પડે છે.
એક તરફ ભારતીય અર્થતંત્ર વિશ્વની અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ ઝડપથી વિકસી રહ્યું હોવાનું કહેવાય છે. તો બીજી તરફ રૂપિયાનું મૂલ્ય ગગડી રહ્યું છે. જે વિચિત્ર લાગી રહ્યું છે. જો દેશમાં મજબૂત વૃદ્ધિની સંભાવના હોય, તો વિદેશી રોકાણકારોનો પ્રવાહ વધવો જોઈએ, પરંતુ આંકડા તે દર્શાવતા નથી.