Mon Dec 08 2025

Logo

White Logo

ગુજરાતમાં છ વર્ષમાં કેટલા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા? : જાણો હાલ રાજ્યમાં કેટલા છે ધારકો

4 days ago
Author: Mayur Patel
Video

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં છ લાખથી વધારે રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રેશન કાર્ડ ધારકોની સંખ્યા 75 લાખથી વધારે છે. 2021માં 2.19 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને  ઈ કેવાયસી કરવા અંગે સૂચના આપી હતી. સરકારે આ માટે ડેડલાઈન પણ આપી હતી. પરંતુ ઘણા લોકોએ ઈ કેવાયસી ન કરતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

હાલ સરકાર દ્વારા લોકોની ઓળખ થઈ રહી છે અને નકલી રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.  31 ડિસેમ્બર, 2025 પહેલા ઈ કેવાયસી નહીં કરાવનારા લોકોનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના એક જાહેરનામા પ્રમાણે, જે લોકોએ છ મહિનાથી રેશન લીધું નથી તેમના કાર્ડ ડિએક્ટિવ થઈ જશે. ત્યાર બાદ ત્રણ મહિનામાં ડોર ટુ ડોર વેરિફિકેશન અને ઈ કેવાયસી દ્વારા ફરીથી પાત્રતા નક્કી કરાશે.

રાજ્યમાં કયા વર્ષે કેટલા રેશનકાર્ડ રદ થયા
2020 - 47,936
2021 - 2,19,1151
2022  - 1,32,519
2023 - 1,35,362
2024 - 30,889
2025* - 69, 102

ઘરેબેઠાં આ રીતે કરો e-KYC

રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર- ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, ત્રણ રીતે e-KYC કરાવી શકે છે.

ખાસ ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ.