Mon Dec 08 2025

Logo

White Logo

ઇન્ડિગોએ ભૂલ સ્વીકારીને કહ્યું, "આજથી 1500થી વધુ ફ્લાઇટ શરૂ થશે": DGCAની નોટિસ બાદ આવ્યું નિવેદન : DGCAની નોટિસ બાદ આવ્યું નિવેદન

1 day ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર યાત્રીઓને છેલ્લા કેટલાક દિવસોથી હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને DGCAએ એરલાઇન કંપની સામે કડક પગલાં ભર્યા છે.  DGCAએ દ્વારા ઇન્ડિગોના CEO પીટર અલ્બર્સ અને અકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ મોકલીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. જેને લઇને હવે ઇન્ડિગોએ હવે એક નિવેદન જાહેર કર્યું છે અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે.

ઇન્ડિગોએ સમયસર વ્યવસ્થા ન કરી

 DGCA દ્વારા મોકલાયેલી નોટિસમાં જણાવાયું છે કે, મોટાપાયે ફ્લાઇટનું ડિલે અને કેન્સલ થવું એ બતાવે છે કે એરલાઇનનું પ્લાનિંગ, દેખરેખ અને રિસોર્સ મેનેજમેન્ટમાં ગંભીર ભૂલ થઈ છે. ફ્લાઇટમાં થયેલી અવ્યવસ્થાનું મુખ્ય કારણ એરલાઇન દ્વારા ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન(FDTL)ના નવા નિયમો માટે સમયસર યોગ્ય વ્યવસ્થા ન કરવું છે. 

DGCAની નોટિસ બાદ ઇન્ડિગોએ એક નિવેદનમાં પોતાની ભૂલનો સ્વીકાર કરતા જણાવ્યું કે, નેટવર્ક રીબૂટ કરવા માટે અમારે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ્દ કરવી પડી. શુક્રવારે 700થી થોડી વધારે ફ્લાઇટનું સંચાલન થયું હતું. જેનાથી 113 સ્થળો સાથે કનેક્ટિવિટી થઈ હતી. આ પગલું સિસ્ટમ, રોસ્ટર અને નેટવર્કને સ્ટેબલ કરવા માટે જરૂરી હતું. જેથી આગળના દિવસથી ફ્લાઇટનું સંચાલન સામાન્ય રીતે થઈ શકે. 

અમે યાત્રીઓના આભારી છીએ

ઇન્ડિગોએ આગળ જણાવ્યું કે, આજથી અમે 1500થી વધારે ફ્લાઇટનું સંચાલન કરવા જઈ રહ્યા છીએ, અમારી 95 ટકા નેટવર્ક કનેક્ટિવીટી રીકવર થઈ ગઈ છે. 138માંથી 135 સ્થળો પર ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે. આ સાથે ઇન્ડિગોએ યાત્રીઓની માફી પણ માંગી છે. ઇન્ડિગોએ યાત્રીઓની માફી માંગતા કહ્યું છે કે, "અમે જાણીએ છીએ કે અમારે હજુ લાંબુ અંતર કાપવાનું છે. પરંતુ અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ કપરા સમયમાં સહકાર આરવા માટે અમે અમારા યાત્રીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ."

ઉલ્લેખનીય છે કે, નાગરીક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ઇન્ડિગો એરલાઇનના CEP સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આગામી સમયમાં આવી અવ્યવસ્થા ન સર્જાય તે માટે યોગ્ય પગલાં ભરવા માટે ઇન્ડિગોને મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.