આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી હિસા ભડકી છે. ફરી હિંદુઓને નિશાન બનાવીને હુમલા શરૂ થયા છે અને 10 દિવસના ગાળામાં જ બીજા હિંદુ યુવકની હત્યા કરી દેવાઈ. આઘાતજનક વાત એ છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓનું નિકંદન કઢાઈ રહ્યું છે અને આપણી હિંદુવાદી સરકાર બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવીને ઠપકો ઠપકો રમી રહી છે. હિંદુઓના હામી હોવાનો દાવો કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર-હુમલા અંગે ચિંતા વ્યક્ત કરીને સંતોષ માની રહ્યા છે અને આ સંગઠનોના કાર્યકરો દિલ્હીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનની ઓફિસ સામે દેખાવો કરીને રાજી થઈ રહ્યા છે.
એક્શનની જરૂર બાંગ્લાદેશમાં છે ત્યારે દિલ્હીમાં ભવાડા કરાઈ રહ્યા છે. બાંગ્લાદેશી હિંદુઓને બચાવવા માટે આક્રમક બનવાના બદલે ઠાલી ચીમકીઓ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. ગયા વરસે જુલાઈમાં શેખ હસીનાને ઉથલાવી દેવાયાં ત્યારથી હિંદુઓ પર સતત હુમલા અને અત્યાચારો થઈ રહ્યા છે પણ દોઢ વર્ષમાં કેન્દ્ર સરકાર અને કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ થૂંક ઉડાડવા સિવાય કશું કર્યું નથી. હવે ફરી હિંસા ભડકી છે ત્યારે ફરી એ જ નિષ્ક્રિયતાનાં દર્શન થઈ રહ્યાં છે.
શરમજનક વાત એ છે કે, દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકની હત્યા પછી ભારતે બાંગ્લાદેશના દિલ્હી ખાતેના હાઈ કમિશનર એમ. હમિદુલાહ રિયાઝને બોલાવીને હિંદુઓ પરના અત્યાચાર રોકવા કહેલું એ છતાં હુમલા ચાલુ રહેતાં બે દિવસ પહેલાં રિયાઝને ફરી બોલાવીને હુમલા રોકવા ચીમકી અપાયેલી. આ ચીમકીની કોઈ અસર થઈ નથી, બલકે બીજા હિંદુ યુવકને મોતને ઘાટ ઉતારીને કટ્ટરવાદી મુસ્લિમોએ ભારતને સીધો પડકાર જ ફેંકી દીધો છે કે, અમે હિંદુઓને શોધી શોધીને મારીશું, ભારતથી થાય એ તોડી લે. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ દેશ છોડીને ભાગી જાય નહિંતર અમે તેમને આ રીતે કૂતરાનાં મોતે જ મારીશું.
બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા પણ અત્યંત ક્રૂરતાથી કરાઈ રહી છે કે જેથી હિંદુઓમાં ડર પેદા થાય. હુમલાની આ ઘટનાઓમાં મૂક સાક્ષી બનીને બાંગ્લાદેશી પોલીસ પૂરો સાથ આપી રહી છે તેથી બાંગ્લાદેશમાં હિંદુઓ પોતાના હાલ પર છે, ભગવાન ભરોસે પણ નથી કેમ કે ભગવાન પણ તેમને બચાવી નથી રહ્યા.
ગયા અઠવાડિયે એટલે કે 18 ડિસેમ્બરે ઢાકા પાસે હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને ટોળાએ મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધેલો અને પછી ઝાડ પર લટકાવીને સળગાવી દીધો હતો. દીપુના શબને ઝાડ પર લટકાવતાં પહેલાં તેનાં બધાં કપડાં કાઢી નાખીને નગ્ન કરી દેવાયેલું અને એવી ગંદી હરકતો કરાઈ હતી કે જે લખી પણ ના શકાય. દીપુ સાથે આચરાતી ક્રૂરતાનો વીડિયો બનાવીને વાયરલ કરાયો હતો કે જેથી હિંદુઓની ફેં ફાટી જાય.
આ ઘટનાનો આઘાત શમે એ પહેલાં તો ઉશ્કેરાયેલા ટોળાએ અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ નામના હિન્દુ યુવકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો. બુધવારે રાત્રે આશરે 11:00 વાગ્યે રાજબાડી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બનેલી ઘટનામાં 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટને ટોળાએ ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને પછી જાહેરમાં જ બેફામ ધોલાઈ કરીને હત્યા કરી નાખી.
આઘાતજનક વાત એ છે કે, પોલીસને આ હુમલાની જાણ કરાયેલી પણ પોલીસે કશું ન કર્યું. ટોળાએ અમૃતને મોતને ઘાટ ઉતારી દીધો પછી પોલીસ પહોંચી અને હુમલાની જાણ કરનારા અમૃતના સાથી મોહમ્મદ સલીમને જ ઉઠાવીને અંદર કરી દીધો. પોલીસે સલીમ પાસેથી બે હથિયારો પણ કબજે કર્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, પોલીસ સમ્રાટના મોતના કેસમાં સલીમને ફિટ કરી દેવા માગે છે. પોલીસે સમ્રાટની હત્યાને બાંગ્લાદેશમાં હિંદુઓનું નિકંદન કાઢવાના મુસ્લિમ કટ્ટરવાદીઓના કારસા સાથે કંઈ લેવાદેવા ના હોય એવું ચિત્ર ઊભું કરવા માટે એવો દાવો કર્યો છે કે, સમ્રાટ પોતે ગુંડો હતો અને સમ્રાટ વિદ્ધ પાંગશા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસ સહિત બે કેસ નોંધાયેલા હતા. સમ્રાટ ગેંગ બનાવીને લાંબા સમયથી ખંડણી વસૂલતો હતો અને બીજી ગુનાઈત પ્રવૃત્તિઓમાં સામેલ હતો તેથી સ્થાનિક લોકો તેનાથી ખફા હતા. લોકોની ખફગીથી બચવા સમ્રાટ ભારત ભાગી ગયો હતો.
ભારતમાં લાંબા સમય સુધી છૂપાઈને રહ્યા પછી સમ્રાટ થોડા દિવસ પછી ઘરે પાછો ફર્યો હતો અને સમ્રાટે ગામના રહેવાસી શાહિદુલ ઇસ્લામ પાસેથી ખંડણીની રકમ માંગી હતી. બુધવારે રાત્રે સમ્રાટ અને તેના સાથીઓ શાહિદુલના ઘરે પૈસા લેવા ગયા ત્યારે ઘરના સભ્યોએ `ચોર' બૂમો પાડીને અવાજ કર્યો તેમાં ટોળું ભેગું થઈ ગયું અને સમ્રાટને ફટકાર્યો તેમાં એ ઢબી ગયો. પોલીસના કહેવા પ્રમાણે, સમ્રાટના બીજા સાથીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા પણ સલિમ હથિયારો સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે દીપુ દાસની હત્યા વખતે જ આવી કથા સંભળાવી હતી. પોલીસે દાવો કરેલો કે, દીપુ ચંદ્ર દાસે ફેસબુક પર મુસ્લિમોને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી. દીપુ `પાયોનિયર નિટવેયર્સ' નામની ટેક્સટાઈલ કંપનીમાં કામ કરતો હતો. બુધવારે અચાનક અફવા ફેલાઈ કે દીપુએ પયગંબર સાહેબ વિરુદ્ધ લખ્યું છે. આ વાત સાંજે સાતેક વાગે ફેલાઈ હતી અને રાત્રે લગભગ 9 વાગ્યા સુધીમાં તો ફેક્ટરીની બહાર કટ્ટરવાદીઓનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. હિંસક ટોળું ફેક્ટરીમાંથી દીપુને ખેંચીને બહાર ખેંચી લાવ્યું અને લાત, મુક્કા અને લાકડીઓથી એ હદે માર્યો કે, સ્થળ પર જ ગુજરી ગયો હતો.
બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીમાં છે તેથી દીપુની હત્યાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. તેના કારણે સ્થાનિક પોલીસ પાસેથી તપાસ ઈ લેવાઈ હતી અને બાંગ્લાદેશની રેપિડ એક્શન બટાલિયનને સોંપાઈ હતી. આ તપાસમાં દીપુ દાસે ધાર્મિક લાગણીઓ દૂભાય એવી પોસ્ટ મૂકી હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી. રેપિડ એક્શન બટાલિયનના કંપની કમાન્ડર મોહમ્મદ શમ્સુજ્ઝમાને જ બાંગ્લાદેશી અખબાર `ધ ડેલી સ્ટાર'ને જણાવ્યું હતું કે, દાસે ફેસબુક કોઈની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોય એવું કશું લખ્યું હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી. મતલબ કે, પોલીસે ભળતી જ સ્ટોરી ઘડી કાઢીને કટ્ટરવાદી હુમલાખોરોને છાવર્યા છે. સમ્રાટના કિસ્સામાં પણ એવું જ થયું છે.
બાંગ્લાદેશના રાજકારણમાં જે કંઈ થઈ રહ્યું છે એ તેની આંતરિક બાબત છે પણ તેના બહાને હિંદુઓને ખતમ કરવાનો એજન્ડા અમલમાં મૂકાય તેની સામે ભારતે ચૂપ ના જ રહેવું જોઈએ. ભારત દુનિયામાં હિંદુઓનો સૌથી મોટો દેશ છે ત્યારે બાંગ્લાદેશના હિંદુઓની ભારતે જ ચિંતા કરવી પડે. ઠાલાં રાજદ્વારી પગલાંના બદલે બાંગ્લાદેશને ચમકારો બતાવવો પડે.