Mon Dec 08 2025

Logo

White Logo

GPSCની જેમ UPSCના ઇન્ટરવ્યુમાં પણ થાય છે ભેદભાવ? : જાણો સરકારે શું કરી સ્પષ્ટતા..

3 days ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ/નવી દિલ્હી: આ વર્ષે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે GPSC વિવાદોમાં ઘેરાયું હતું. GPSC ભરતીમાં ચોક્કસ જાતિના લોકોને જ સ્થાન આપવા માટે SC, ST અને OBC જાતિના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વિવાદનું કેન્દ્ર GPSC દ્વારા લેવામાં આવતા ઇન્ટરવ્યુ રહ્યું હતું અને ત્યારે હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના ઇન્ટરવ્યુમાં પણ ભેદભાવ કરવામાં આવે છે કે કેમ તે અંગે સંસદમાં પ્રશ્ન ઊભો થયો હતો. 

મળતી વિગતો અનુસાર, સંસદમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC )ના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થતો હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે UPSC દ્વારા અપનાવવામાં આવેલી સાક્ષાત્કાર/વ્યક્તિત્વ પરીક્ષણ પ્રણાલી કોઈપણ પ્રકારના ભેદભાવ કે પૂર્વગ્રહથી સંપૂર્ણપણે મુક્ત છે. સરકારે જણાવ્યું કે, ઉમેદવારોને ઇન્ટરવ્યુ બોર્ડમાં નિયુક્ત કરતી વખતે 'રેન્ડમ' રીતે પસંદ કરવામાં આવે છે, જે પ્રક્રિયા ઇન્ટરવ્યુ શરૂ થવાના બરાબર પહેલા જ કરવામાં આવે છે.

UPSC એ વધુમાં માહિતી આપી કે ઇન્ટરવ્યુ બોર્ડને ઉમેદવારની કેટેગરી અથવા લેખિત પરીક્ષામાં તેને મળેલા ગુણ વિશે કોઈ જાણકારી આપવામાં આવતી નથી. એટલું જ નહીં, સાક્ષાત્કાર બોર્ડના સભ્યોની ઓળખ પણ ઉમેદવારોને જણાવવામાં આવતી નથી. આ પ્રકારે, ઇન્ટરવ્યુમાં કોઈપણ શ્રેણીના ઉમેદવારો સાથે ભેદભાવ કે પૂર્વગ્રહનો કોઈ અવકાશ રહેતો નથી. વધુમાં, સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે, અંતિમ પસંદગી પામેલા તમામ ઉમેદવારોના ગુણ લેખિત ગુણ, ઇન્ટરવ્યુના ગુણ અને કુલ ગુણ UPSCની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે છે.

 આ વર્ષે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં ક્લાસ 1-2 ની પરીક્ષામાં અમુક ચોક્કસ જાતિના ઉમેદવારોને અન્યાય થયો હોવાના આક્ષેપો થયા હતા. GPSCની મૌખિક પરીક્ષામાં OBC, ST અને SC વિદ્યાર્થીઓને ઓછા માર્ક અપાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞે સરદારધામમાં મૉક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઈને પંચે બે દિવસ દરમિયાન લેવાયેલા ઇન્ટરવ્યૂ રદ કર્યા હતા. આ ઉપરાંત GPSCના ઇન્ટરવ્યુમાં નાપાસ થયેલા ઓબીસી ઉમેદવાર UPSCમાં પાસ થતાં આ વિવાદ વધુ ઘેરો બન્યો હતો.