નવી દિલ્હી: ભારતની સંસદે મનરેગા યોજનામાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં મનરેગા યોજનાનું નામ બદલીને 'વિકસિત ભારત જી રામ જી' બિલ કરવામાં આવ્યું છે. જેને લઈને વિપક્ષે સંસદમાં હોબાળો કર્યો હતો. આ હોબાળાને લઈને કૉંગ્રેસના આઠ સાંસદો વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે કૉંગ્રેસના આઠ સાંસદને નોટિસ પાઠવવામાં આવી છે.
ગૃહની કામગીરીમાં અવરોધ બન્યા વિપક્ષી સાંસદો
18 ડિસેમ્બર 2025ને ગુરુવારે લોકસભામાં 'વિકસિત ભારત જી રામ જી' બિલ પર ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન કૉંગ્રેસના કેટલાક સાંસદોએ હોબાળો કર્યો હતો. જેને લઈને ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ કૉંગ્રેસના આઠ સાંસદો પર વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનનો આરોપ લગાવીને નોટિસ મોકલી છે, જેમાં હિબી એડન, ડીન કુરિયાકોસ, એસ. મુરાસોલી, કે ગોપીનાથ, શશિકાંત સેંથિલ, શફી પરમ્બિલ, એસ વેંકટેશન અને જોતિમણિના નામનો સમાવેશ થાય છે.
કૉંગ્રેસના આઠ સાંસદોને મોકલવામાં આવેલી નોટિસમાં દૂબેએ આરોપ લગાવ્યો હતો કે, "તેમણે કૃષિ અને ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહની કામગીરીમાં મદદ કરી રહેલા અધિકારીઓ માટે અડચણ ઊભી કરીને ગૃહની સુચારું કામગીરીમાં સતત અવરોધ ઊભો કર્યો હતો. કોંગ્રેસના સાંસદોએ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર કાગળના ટુકડા પણ ફેંક્યા હતા. સાંસદોનું આ વર્તન અનાદરપૂર્ણ અને અયોગ્ય પણ ગણાવ્યું હતું. આ વર્તણૂકની લોકસભાના અધ્યક્ષ તેના અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.
લોકસભા સ્પીકરે કડક કાર્યવાહી કરવી જોઈએ
નિશિકાંત દુબેએ મીડિયાને જણાવ્યું કે, "આ રીતે ગૃહમાં દુર્વ્યવ્હાર કરવો, એ લોકસભા અધ્યક્ષના અધિકારોનો તિરસ્કાર છે.ગૃહના અધિકારીઓને તેમનું કર્તવ્યપાલન ન કરવા દેવું, એ સ્પષ્ટપણે સામુહિક રીતે સાંસદોના વિશેષાધિકારોનું ઉલ્લંઘન અને ગૃહનું અપમાન છે. લોકસભા અધ્યક્ષે વિપક્ષના સાંસદો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન ઘટે."