દિસપુરઃ આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વના સમાચાર આવ્યાં છે. આસામમાં પણ એસઆઈઆરની કામગીરી પૂર્ણ થવા આવી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. એસઆઈઆરની કામગીરી દરમિયાન આસામમાંથી કુલ મળીને 10.56 લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. આંકડા પ્રમાણે આસામમાં વર્તમાનમાં 2.51 કરોડ મતદારો છે. આ સાથે આગામી 10 ફેબ્રુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
આસામમાં કેટલા મતદારોના નામ દૂર થયા?
એસઆઈઆર પ્રક્રિયાના આંકડાની વાત કરવામાં આવે તો, આસામ રાજ્યમાં અત્યારે 02,51,09,754 મતદારો છે, જેની યાદી જાહેર કરી દેવામાં આવી છે. 2.51 કરોડ મતદારોમાં 93,021 ડી-મતદારો અથવા શંકાસ્પદ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સાથે મૃત્યુ, સ્થળાંતર જેવા કારણોસર જેની નોંધણી થઈ શકી નથી તેવા 10,56,291 મતદારોને મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યાં છે. આસામમાં છ મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ પહેલા ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની સંપૂર્ણ પ્રક્રિયા ખતમ કરીને ફાઈનલ મતદાર યાદી જાહેર કી દેવામાં આવશે તેવી તૈયારી ચાલી રહી છે.
શું છે ડી-મતદાર કેટેગરી?
ડી-વોટર, જેને ક્યારેક શંકાસ્પદ મતદાર અથવા શંકાસ્પદ મતદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડી-મતદારોએ આસામમાં મતદારોની એક એવી કેટેગરી છે, જેમને માન્ય નાગરિકતા દસ્તાવેજોના અભાવે સરકાર દ્વારા મતદાન કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. ડી-વોટર જાહેર કરાયેલ વ્યક્તિને મતદાર કાર્ડ આપવામાં આવતું નથી. જેથી તે મતદાન કરી શકતો નથી. ખાસ કરીને આ કેટેગરી આસામમાં લાગુ કરવામાં આવેલી છે.
10.56 લાખ મતદારોને મતદાર યાદીમાંથી હટાવાયા
આસામમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન રાજ્યભરમાં 61,03,103 ઘરોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 35 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 126 ચૂંટણી નોંધણી અધિકારીઓ, 1,260 AERO, 29,656 બૂથ લેવલ ઓફિસર્સ અને 2,578 BLO સુપરવાઇઝરે પોતાની ફરજ અદા કરી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 10.56 લાખ મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં 04,78,992 નામ મૃત્યુને કારણે દૂર કરવામાં આવ્યા હતા, 05,23,680 મતદારો તેમના નોંધાયેલા સરનામાથી સ્થળાંતરિત થયા થયા હોવાથી દૂર કરાયા અને 53,619 નામ સમાન એન્ટ્રીઓ સુધારા માટે દૂર કરવામાં આવ્યાં છે. હવે જો કોઈને આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ દાવો કે આપત્તી હોય તો 22 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકે છે. ત્યાર બાદ 10 ફેબ્રુઆરીએ છેલ્લી અને ફાયનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.