મુંબઈ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો છેલ્લા અનેક દિવસોથી ગંભીર ઓપરેશનલ કટોકટી અનુભવી રહ્યું છે. જેના લીધે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ આ મુદ્દો આજે સંસદમાં પણ ગાજ્યો હતો. ત્યારે ઇન્ડિગોના સીઇઓ પીટર આલ્બર્સે વિડીયો સંદેશથી માફી માંગી છે.
તેમજ તેમણે સ્વીકાર પણ કર્યો કે 5 ડિસેમ્બરનો દિવસ એરલાઇન માટે સૌથી ખરાબ દિવસ રહ્યો છે. આજના દિવસે 1000 થી વધારે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જે તેની દૈનિક ફ્લાઇટની સંખ્યા કરતાં લગભગ અડધી છે. તેમજ તેમણે કહ્યું કે સ્થિતી સામાન્ય કરવા માટે ત્રિ-સ્તરીય રણનીતિ અમલી બનાવવામાં આવી છે.
એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને તાત્કાલિક સહાય
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ સ્થિતીના નિર્માણ પાછળ અનેક કારણો છે. પરંતુ હાલ કંપનીનું સંપૂર્ણ ધ્યાન મુસાફરોની તકલીફો ઓછી કરવા તરફ કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે કોલ સેન્ટરની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે અને મુસાફરોને વિગતવાર અને સમયસર અપડેટ્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત મુખ્ય એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે એરપોર્ટ પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
એરલાઇનનું સંચાલન 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય થશે
તેમજ કંપનીએ હાલ સંપૂર્ણ ઓપરેશનલ રીસેટ શરૂ કર્યું છે. જેમાં કંપનીએ કામગીરીને ફરીથી ગોઠવવા માટે ક્રૂ સભ્યો અને વિમાનોના રીસિડયુલની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત કંપની મેનેજમેન્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સતત સંકલન અને દૈનિક સુધારાઓ સાથે એરલાઇનનું સંચાલન 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય થશે.