Mon Dec 08 2025

Logo

White Logo

ગોવા આગ દુર્ઘટના મુદ્દે : પોલીસની સૌથી મોટી કાર્યવાહી: ક્લબના માલિકની ધરપકડ

17 hours ago
Author: Mumbai Samachar Team
Video

 પણજી: ગોવાના અરપોરા ખાતેના નાઈટ ક્લબમાં મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. નાઈટ ક્લબમાં મોડી રાતે લગભગ 1 વાગ્યા આસપાસ ભીષણ આગની દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા હતા, જેને લઈને મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને લઈને ગોવા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નાઈટ ક્લબના માલિક વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે.

 નાઇટ ક્લબના માલિકની થઈ ધરપકડ 

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું કે ગોવા નાઇટ ક્લબમાં થયેલી આગ દુર્ઘટનાને લઈને, ક્લબના માલિક અને મેનેજર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. માલિકની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનાને લઈને મેજિસ્ટ્રેટ મારફત તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

 મેજિસ્ટર મારફત તપાસનો આદેશ 

અગાઉ મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે એક્સ પર લખ્યું હતું કે હું અરપોરામાં થયેલી દુ:ખદ આગ દુર્ઘટનાનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યો છું. ગોવામાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે, જેમાં 25 લોકોનો જીવ ગયો છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ છ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે. તેમને સૌથી સારી મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મેં તમામ ઘટનાનું કારણ જાણવા અને જવાબદારી નક્કી કરવા માટે મેજિસ્ટર મારફત તપાસ કરવાનો પણ આદેશ આપી દીધો છે.

 વડા પ્રધાને કરી વળતરની જાહેરાત 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગોવાની દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને બે લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.