મેક્સિકો : વિશ્વના અનેક દેશોમાં ભૂકંપ નોંધાઈ રહ્યા છે. જેમાં આજે મેક્સિકોમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ દક્ષિણ અને મધ્ય મેક્સિકોમાં આવ્યો હતો. ભૂકંપના આંચકાને કારણે મેક્સિકો સિટી અને અકાપુલ્કોના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મેક્સિકોની રાષ્ટ્રીય ભૂકંપ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી હતી.
આ ભૂકંપ ભારતીય સમય મુજબ સાંજે 7:28 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર મેક્સિકોના દક્ષિણ રાજ્ય ગુરેરોમાં સાન માર્કોસ શહેર નજીક હતું, જે પેસિફિક કિનારે આવેલા એકાપુલ્કો રિસોર્ટ નજીક હતું. ભૂકંપ સપાટીથી 40 કિલોમીટર નીચે હતો.
જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નહી
જોકે, આ દરમિયાન શુક્રવારે મેક્સિકોમાં આવેલા ભૂકંપે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની નવા વર્ષની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ રોકવી પડી હતી. આ ભૂકંપમાં જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. રાષ્ટ્રપતિએ થોડા સમય બાદ પ્રેસ કોન્ફરન્સ ફરી શરૂ કરી હતી.તેમણે ગુરેરોના ગવર્નર સાથે વાત કરી હતી.
ભૂટાનમાં પણ ભૂકંપ આવ્યો હતો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેક્સિકો પહેલા ગુરુવારે ભારતના પાડોશી દેશ ભૂટાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. રાત્રે 9:52 વાગ્યે ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. ગુરુવારે મ્યાનમારમાં પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 હતી, જેનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે હતું.