Sat Jan 03 2026

Logo

White Logo

ગુજરાતના સુરેન્દ્રનગરમાં ખેતરમાંથી : 17.54 કરોડનો ગાંજો જપ્ત , તપાસ શરૂ...

1 hour ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાળી ગામની સીમમાં આવેલા બે અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના વાવેતરની આડમાંથી પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બંને ખેતરોમાંથી લીલા ગાંજાના 670 છોડ જેનું વજન 3508 કિલો અને કિંમત કુલ રૂપિયા 17.54 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે વાવેતર કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

બે અલગ અલગ ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું

જિલ્લામાં અવારનવાર માદકદ્રવ્યોની હેરાફેરી તેમજ ગાંજાનું વાવેતર ઝડપાયું છે ત્યારે નવા વર્ષના પહેલા જ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગર SOG પોલીસ તેમજ ધજાળા પોલીસે કસવાળી ગામની સીમમાં બે અલગ અલગ ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે.

ગાંજાના 550 છોડ ઝડપાયા હતા

સાયલા તાલુકાના કસવાળી ગામના સંજયભાઈ ભોપાભાઈ તાવિયાએ પોતાના ખેતરમાં એરંડા અને કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે SOG પોલીસે દરોડો કર્યો હતો. કપાસ અને એરંડાના પાકની આડમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી કારણ કે સંજયભાઈના ખેતરમાં કપાસ અને એરંડાના પાકની આડમાંથી ગાંજાના 550 છોડ ઝડપાયા હતા જેનું વજન 3036 કિલો અને કુલ રૂપિયા 15,18,40,000ના લીલા ગાંજાના છોડ સાથે સંજયભાઈ ભોપાભાઈ તાવિયાને ઝડપી પાડ્યા હતા.

દીકરીના ઇલાજ માટે અંતે પિતાએ ગાંજાની ખેતી શરૂ કરી

આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કરનાર સંજયભાઈની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સંજયભાઈની દીકરી મંદબુદ્ધિ હોવાની તેમજ તેને કેન્સર હોવાથી દર 15 દિવસે કીમોથેરાપી અપાવવા માટે અમદાવાદ લઈ જવી પડતી હોવાથી મોટી રકમનો ખર્ચ થતો હતો. જ્યારે બીજી તરફ આવકનું અન્ય કોઈ રસ્તો ન હોવાથી દીકરીના ઇલાજ માટે અંતે પિતાએ ગાંજાની ખેતી શરૂ કરી હતી પરંતુ પોલીસના હાથે ઝડપાઈ જતાં દીકરીની સારવાર કરાવવાની પિતાની ઇચ્છા અધૂરી રહી ગઈ છે.

તુવેરના છોડ વચ્ચેથી કુલ 120 ગાંજાના છોડ  મળ્યા 

જ્યારે બીજા દરોડામાં ધજાળા પોલીસે કસવાળી ગામના ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરાના ખેતરમાં દરોડો કરી તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. જેમાં તુવેરના છોડ વચ્ચેથી કુલ 120 ગાંજાના છોડ જેનું વજન 471 કિલો 800 ગ્રામ અને કિંમત રૂપિયા 2,35,90,000ની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ભાવુભાઈ મીઠાપરાને ઝડપી લીધા હતા.

અંદાજે સતત 36 કલાક સુધી આ કામગીરી ચાલી

આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કરવા માટે બિયારણ ક્યાંથી લાવ્યા, ગાંજો અગાઉ વાવ્યો હતો કે કેમ તેમજ ગાંજો કોને વેચતા હતા અને વાવેતર કરવામાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે સહિતની બાબતો અંગે પોલીસે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. ગાંજાના છોડ જમીનમાંથી કાઢવા માટે પોલીસને 12 જીઆરડી જવાનની મદદ લેવી પડી હતી અને અંદાજે સતત 36 કલાક સુધી આ કામગીરી ચાલી હતી અને ગાંજાના છોડ એટલા બધા હતા કે ત્રણ ટ્રેક્ટરમાં તમામ ગાંજાના છોડ ભરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં આ સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા SOG પોલીસ તેમજ ધજાળા પોલીસને રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા